ફિલ્મ - ઘેર ઘેર માટીના ચૂલા - તણખાં ઝરે કે ફૂલડાં, ફેંસલો મંજૂર છે!

તણખાં ઝરે કે ફૂલડાં, ફેંસલો મંજૂર છે!
બૉમ્બે આવીને એ રહેલો. એને તો ગાયક બનવું હતું. બૉમ્બેવાળા એમ કંઇ ગીતો ગવડાવતા હશે? હા, કોઇ વાર કોરસમાં લઇ લેતા. બાકી છોકરો ઇલૅક્ટ્રિશિયનનું કામ જાણે. દિવસે મૂળજી જેઠા માર્કેટમાં પંખા, ઇસ્ત્રી રીપેર કરે. રાતે ગોરેગાંવમાં કોઇ બાંકડો કે દુકાનનો ઓટલો પકડીને લે. એકવાર હેમંત દા ગીત રેકૉર્ડ કરતા હતા. આ છોકરો પણ કોરસમાં હતો. એણે દાદાને કંઇક સજેસ્ટ કર્યું. બીજું કોઇ હોત તો એના બાર વાગાડી દેતે. આ હેમંત દા હતા. એમણે સજેશનના આધારે જ ગીત રેકૉર્ડ કર્યું. આનંદ મઠ ફિલ્મનું વંદે માતરમ્. છોકરાને એમણે આસિસ્ટન્ટ બનાવી લીધો. પાનાં પક્કડ ચલાવતા હાથમાં હારમોનિયમ આવી ગયું.
નાગીન માટે હેમંત કુમારને બીનની ધૂન બેસાડવી હતી. કંઇ જામતું નહોતું. ઇલૅક્ટ્રિશિયને કીધું દાદા આ ટ્યૂન કેવી રહેશેએણે મેરા દિલ યે પુકારે આજા વગાડ્યું. એઇ હાયના, નૂતોન કી’? આ તો છે, નવું શુંદાદાએ પૂછ્યું. એણે તરત ગીતની જ એક ક્રૉસ લાઇન ઉપાડી. જુદા મીટરમાં વગાડી. યે બાત, દાદા હરખાઇ ગયા. મન ડોલે મેરા તન ડોલેમાં બીનની ધૂન આ છોકરાએ શોધી હતી. હેમંત કુમારના જ ગીતમાંથી. છોકરાને હવે ફિલ્મોની ઑફર્સ પણ મળવા લાગી. ચૌદહવીં કા ચાંદ એની પહેલી સુપર હિટ હતી. આખા દેશમાં રવિનો ડંકો વાગી ગયો.

મહાન સંગીતકાર રવિ. રવિશંકર શર્મા. એક ઇલૅક્ટ્રિશિયન હતા. સંગીતની કોઇ જ તાલીમ નહીં. હારમોનિયમ પણ જાતે શીખેલા. સાઉથમાં એ બૉમ્બે રવિના હુલામણા નામથી પ્રસિદ્ધ હતા. એમણે એ મેરી ઝહોરા જબીં,ગૈરોં પે કરમ, અપનોં પે સિતમજબ ચલી ઠંડી હવાતુજ કો પુકારે મેરા પ્યારબાબુલ કી દુઆએં લેતી જાફઝા ભી હૈ જવાં જવાં જેવાં યાદગાર ગીતો આપ્યા. એમના આજ મેરે યાર કી શાદી હૈ વિના કોઇ વરઘોડો ન નીકળે.
અજયનો વરઘોડો પણ પલ્લવી વકીલના આંગણે પહોંચી ગયો. વર અને કન્યા પક્ષમાં સામસામે ફટાણાંની રમઝટ જામી હતી. બંને પક્ષો આમને સામને જોખી જોખીને ચોપડાવતા હતા. જમાઇ તો છે વગડાનો એક વાંદરો ગાયું ને પલ્લવીનું હસવું ન રોકાયું. સામેવાળા કંઇ બાકી રાખે? એમણેય રોકડું પરખાવ્યું. વહુ તો નીકળી કાળુડી એક કાગડી. હવે અજયે પણ પલ્લવીને કોણી મારી.
રિસેપ્શન અજયને ત્યાં હતું. અચાનક ચાલુ રિસેપ્શને અજય ઊઠીને ઉપરના માળે ગયો. આટલા મહેમાનો વચ્ચે પલ્લવીને એકલી મૂકીને. મોટા ભાઇ અરવિંદના ઓરડામાં. અરવિંદે પણ અજયને જોયો. એ પાછળ ગયો. બારીનો પરદો સ્હેજ હટાવીને જોયું તો ચહેરાનો રંગ ઊડી ગયો. મોં સુકાઇ ગયું. ગૌરી. અરવિંદની પત્ની. ખુરશીમાં બેઠી હતી. અજય પાછળથી એની ઉપર ઝૂકીને ઊભો હતો. એણે હીરાનો હાર ગૌરીના ગળામાં પહેરાવ્યો.
મા-દીકરા જેવા પવિત્ર સંબંધોમાં અરવિંદને વાસના ખદબદતી દેખાઇ. એ પણ આ સમયે? એક તરફ ગૌરી પ્રેગ્નેન્ટ. નીચે અજયનું રિસેપ્શન. આ શું અનર્થ? ગૌરીની કોખમાં બાળક ક્યાંક....? વહેમને કોઇ ઓસડ હશે. પણ આ તો આંખે જોયેલી વાત. એ ખોટી હોય?
અરવિંદનો ચહેરો તમતમી ગયો. બીજી સવારની રાહ જોયા વિના એ કાર લઇને ચાલી નીકળ્યો. ભાનસાન ભૂલીને. કાર કન્ટ્રોલ બહાર ગઇ. એક મોટો ધડાકો થયો. કાર ઝાડ સાથે અથડાઇ હતી. નસીબજોગે પાસે જ એક મૅડિકલ કૅમ્પ હતો. ત્યાંથી માણસો આવ્યા. અરવિંદને તાત્કાલિક સારવાર મળી ગઇ.
હોશ આવ્યા ત્યારે લેડી ડૉક્ટર સામે ઊભેલાં. આ મારી નાની બહેન છેડૉ. વાસંતી. મીનાક્ષી હતી. કૅમ્પમાં બહેનની સહાય માટે આવેલી. મીનાક્ષી સાથે કોઇ જમાનામાં અરવિંદના સગપણની વાત ચાલી હતી. બાપુજીએ ના કહેલી અને અરવિંદના લગ્ન ગૌરી સાથે થયેલાં. જો કે, અરવિંદના દિલમાં એક છાનો ખૂણો મીનાક્ષીનું નામ લઇ આજેય ધબકી જતો. ઘરમાં જે સીન જોયો એ પછી હવે ત્યાં પાછા જવું દોઝખ હતું. અરવિંદ મીનાક્ષીને ત્યાં રહેવા ચાલ્યો ગયો.
ઘરમાં બધાને એમ કે બિઝનેસના કોઇ કામે મુંબઇ ગયો હશે. ગૌરીએ પણ એમ જ ધારેલું. પરંતુ, પલ્લવીએ એકવાર અરવિંદ અને મીનાક્ષીને કારમાં જતા જોઇ લીધા. રાતે જમતા અજયને એણે વાત કરી. કોઇ બીજી સ્ત્રી સાથે અરવિંદદેવ જેવા મોટા ભાઇ ઉપર શંકા કરે છે? અજયને પલ્લવી પર ગુસ્સો ચઢ્યો. એણે પલ્લવીને થપ્પડ ઝીંકી દીધી. પલ્લવીની આંખો ભરાઇ આવી. તાજી પરણેલી ક્યાંથી જીરવી શકેએ દોડીને રૂમમાં ચાલી ગઇ. પછી તો અજયને પણ કોળિયો ગળે ન ઉતર્યો. પત્ની ઉપર જુલમ કર્યાનો પારાવાર પસ્તાવો હતો એને. રૂમમાં પલ્લવી કલ્પાંત કરતી હતી.
કૉલેજના દિવસોમાં એ કેવો પલ્લવીની આંખોમાં સંતાઇ જતો. આજે એ જ આંખો અનરાધાર વહેતી હતી. પોતાની એક ભૂલને કારણે. અજયે એને માથે હાથ ફેરવ્યો. કોલેજમાં પલ્લવી માટે લખેલું પેલું ગીત આજે યાદ આવતું હતું. બસ એક વેળા નજરથી, ટકરાય જો તારી નજર. તણખાં ઝરે કે ફૂલડાં, એ ફેંસલો મંજૂર છે. યેશુદાસનો અવાજ. કંઇ યાદ આવ્યું? ઘેર ઘેર માટીના ચૂલા. જેમિની પ્રોડક્શનની સુપર હિટ ગુજરાતી ફિલ્મ. આ સુપ્રસિદ્ધ ગીતના કમ્પોઝર પણ આપણા ઇલૅક્ટ્રિશિયન છે. રવિ. બૉમ્બે રવિ! મૂળ હરિયાણાના. પણ એમણે સંગીતબદ્ધ કરેલાં ગુજરાતી ફટાણાં સાંભળો ત્યારે રવિ બાજુની પોળમાં રહેતા પડોશી લાગે.
ફિલ્મનો હીરો કોણ ખબર છેવાસુ યાર આપણો હાંસોટ ગામનો વાસુ. અમરોલી, નસવાડીનો. આપણા ઓરિજિનલ ગુજ્જુભાઇ. ફારુખ શેખ. ગરમ હવા એમની પહેલી ફિલ્મ. ૧૯૭૩માં બનેલી. ઘેર ઘેર માટીના ચૂલા ૧૯૭૭માં ગરમ, આઇ મીન, હિટ થયેલી. આ ફિલ્મ અનેક રીતે યાદગાર છે. એમાં હિરોઇન છે તે, ઝરીના વહાબની ક્લાસ મેટ થાય. ફિલ્મ ઇનસ્ટિટ્યૂટ પૂણેમાં. ૧૯૭૩ બૅચની સ્ટુડન્ટ. નામ લેતા થાકી જવાય એટલી સુપર હિટ ગુજરાતી ફિલ્મો એમણે આપી છે. સંગીતકાર રવિની માફક એ પણ.... અરે કોઇ તો કહે, ગુજરાતના નથી?
તમે નોટિસ ન કર્યું હોય તો કહી દઉં. ગુજરાતણોથી રૂપાળા ચહેરા મેં તો બીજે જોયા નથી. સીરિયસલી. નો જોક્સ. એવરેજ લૂકનું લેવલ અહીં બહુ ઊંચા માહ્યલું છે. સીધી સાદી ગુજરાતી કન્યા હસે ત્યારે ચહેરો ખિલી જાય. વધુ મોહક લાગે. રીટા ભાદુડી પણ ગુજરાતી ફિલ્મ જગતનું સૌથી રૂપકડું નામ છે. આંખોમાં લજ્જા અને સ્મીતમાં કુમાશ ગુજરાતણ તરીકે એમની ઓળખાણ પાકી કરે છે. ફિલ્મમાં રીટા – ફારુખની જોડી ખૂબ જામે છે.
ફિલ્મનું વધુ એક જાજરમાન પાસું છે. સંવાદ અને ગીતો. અરર ટીકુ મોટીબા. જોને ટીનુ મોટીબા. બોલાવીએ તો બોલે નહીં. મનાવીએ તો માને નહીં. સાંભળીને બાળપણ ન સાંભરે તો કહેજો મને. અનુરાગે અંતર જાગે. અભિરામ શ્યામનું નામ. પહેલી જ ફ્રેમથી ફિલ્મ સાથે જોડી દેતી શબ્દ રચના છે. આ અમર ગીતોના સર્જક છે, ધીરુબેન પટેલ. હા, ભવની ભવાઇનાં લેખિકા ઘીરુબેન. સંગીતકાર રવિ અને ધીરુબેન બંનેનો જન્મ ૧૯૨૬માં. ધીરુબેન મૂળ વડોદરાના. હવે મુંબઇ છે. કૉલેજમાં અંગ્રેજીના પ્રોફેસર હતા. નવલકથાકાર, વાર્તાકાર, નાટકકાર તરીકે પ્રસિદ્ધ છે. ૧૯૭૫માં એમને રણજિતરામ ચંદ્રક મળેલો. ગુજરાતી સાહિત્યનું સર્વોચ્ચ સન્માન. ધીરુબેનને આખું ગુજરાત બચપણથી ઓળખે છે. ટૉમ સૉયરનાં પરાક્રમો વાંચ્યા છેને? માર્ક ટ્વેઇનના ટૉમને ગુજરાતી બનાવનાર આપણા ધીરુબેન. એમની આગંતુક નવલ કથાને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો છે. ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખ પદ પણ એમણે સંભાળ્યું છે. આ ફિલ્મના સંવાદ અને ગીતો પણ એમણે જ લખ્યાં છે.
ફિલ્મમાં શરમન જોષીના ડૅડી પણ છે. અરવિંદ જોષી. અરવિંદની ભૂમિકામાં. એમની સાથે ગૌરીના પાત્રમાં સુષમા વર્મા છે. ભાભી વિષે આંખ મીંચીને વિચાર પણ કરો તો આ એક જ ચહેરો દેખાય. સુષમા. હવે સુપર સ્ટાર કિરણ કુમારના પત્ની છે. સુશ એન્ડ શીશ કલૉધિંગ લેબલ એમનું છે. મોટી બાના પાત્રમાં દીના પાઠક છે. દાદા અરવિંદ પંડ્યા છે. અરવિંદ પંડ્યા બહુ મોટા ગજાંના કલાકાર. એમને વિશે એકવાર માંડીને વાત કરીશું.
તો ફિલ્મમાં આગળ શું થયુંઅરવિંદનું ભેજું ઠેકાણે આવ્યું કે નહીં? એ ઘરે આવ્યો કે નહીં? આવી જ ગયો હોયનેગૌરીને બાબો આવ્યો કે બેબી?બાબો જ હોયને. તમને થશે, આજે તો બધું કહી દીધું. પણ બૉસ, આ તો ઘર ઘરની વાત કહેવાય. ઘેર ઘેર માટીના ચૂલા. આટલું તો બધાને ખબર હોય. તો ફિલ્મમાં નવું શું છેનવાં છે, ફિલ્મની કથા, સંવાદો, પરફૉર્મન્સ, અર્બન લૂક, ગુજરાતી સંસ્કારિતા. મેં તમને કહ્યું એ તો એકાદ બે સીન હતા. ફિલ્મ આખી સાવ અલગ છે.
ફારૂખ શેખને શુદ્ધ ગુજરાતી બોલતા સાંભળવાનો પણ એક લ્હાવો છે. આ ફિલ્મ જોયાના ત્રણેક વર્ષ પછી મેં મુંબઇની ચોપાટી ઉપર એમને રીતસર સામોસામે જોયેલા. લાલ રંગની કારમાંથી ઉતરીને નાળિયેર પીવા આવેલા. ગોગલ્સ પણ પહેરેલા. એમની કાર વધારે લાલ હતી કે ગાલ એ હજુય હું નક્કી કરી શક્યો નથી. તણખાં ઝરે કે ફૂલડાં, એની ફિકર વિના એમની સાથે હાથ મિલાવી જ લીધેલા આપણે બેધડક.

Comments