હાજી કાસમ તારી વીજળી વેરણ થઈ | હાજી કાશમની વીજળી
હાજી કાસમ તારી વીજળી વેરણ થઈ
ભારતની 'ટાઇટેનીક'
લગભગ સવાસો વર્ષ પહેલાં એક ઘટના બની હતી. પાક્કી તારીખ સાથે વાત કરીએ તો ૮ નવેમ્બર, ૧૮૮૮ની આ વાત. કચ્છના માંડવી બંદરેથી સવારના સાડા સાત વાગે 'વૈતરણા' નામનું એક જહાજ રવાના થાય છે. 'વૈતરણા' ઓફિશિયલ નામ, પણ જહાજ પર ઇલેક્ટ્રિક લાઇટો જડી હોવાને કારણે એ 'વીજળી'ના નામથી વધારે ઓળખાય. મુસાફરો અને કર્મચારીઓ મળીને કુલ ૭૪૬ માણસો આ ત્રણ વર્ષ જૂની આગબોટ પર સવાર છે. 'વીજળી'નું ગંતવ્યસ્થાન છે મુંબઈ. માંડવીથી દરિયાઈ માર્ગે મુંબઈ સુધીનું અંતર કાપતા સામાન્ય સંજોગોમાં ત્રીસેક કલાક થાય, પણ આવનારા કલાકોમાં અત્યંત અસામાન્ય અને ભયંકર સંજોગો ઊભા થવાના છે એવી તો કલ્પના પણ ક્યાંથી હોય!
ખેર, મુંબઈ પહોંચતા પહેલાં 'વીજળી' દ્વારકા લાંગરે છે. અહીં થોડા મુસાફરોની ચડ-ઊતર થાય છે. પછીનું સ્ટોપ છે પોરબંદર. અહીંથી લગભગ સો મુસાફરો ચડવાના છે, પણ આજે દરિયો તોફાની છે, તેથી પોરબંદરના બંદરમાં લાંગરવાને બદલે 'વીજળી' વ્હિસલ મારીને મુંબઈ તરફ આગળ વધી જાય છે. તે વખતે સાંજના સાડા પાંચ થયા છે. રાત્રે એક વાગે 'વીજળી' માંગરોળ પાસેથી પસાર થાય છે. તે પછી માધવપુર (ધેડ) પાસે પણ અમુક લોકો દૂરથી 'વીજળી'ને દરિયામાં સરકતી જુએ છે. બસ. 'વીજળી'ની આ અંતિમ ઝલક. મધદરિયે ભયાનક તોફાન ઊઠે છે અને 'વીજળી' દરિયાના પેટાળમાં ગરક થઈ જાય છે. 'વીજળી' માત્ર ડૂબતી નથી, તે સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જાય છે. નથી એના ભંગારનો એક અંશ જડતો કે નથી એના પર સવાર થયેલા એક પણ મનુષ્યજીવનો દેહ મળતો. 'વીજળી' એક વિરાટ પ્રશ્નચિહ્ન, એક કરુણાંતિકા, એક રહસ્ય બનીને રહી જાય છે.
*વાય.એમ. ચીતલવાલાએ ભારે જહેમત ઉઠાવીને 'વીજળી હાજી કાસમની' નામનું નાનું પણ મહત્ત્વનું પુસ્તક લખ્યું છે. આ સિલસિલાબંધ પુસ્તકમાં તેઓ 'વીજળી'ને યોગ્ય રીતે 'ટાઇટેનિક' સાથે સરખાવે છે. બન્ને જહાજ ઇંગ્લેન્ડમાં બન્યાં હતાં. 'વીજળી' પર લંડન સ્થિત શેફર્ડ કંપનીની માલિકી હતી. તેનું રજિસ્ટ્રેશન પણ લંડનમાં થયેલું. 'વીજળી' ૧૮૮૮માં ડૂબી, 'ટાઇટેનિક' એનાં ચોવીસ વર્ષ પછી ૧૯૧૨માં ગરક થઈ. બન્નેની બનાવટના મૂળ સિદ્ધાંતો સરખા હતા. 'ટાઇટેનિક'માં જાણે 'વીજળી'ના એન્જિનનું વિરાટ સ્વરૂપ ફિટ કરાયું હતું. 'વીજળી'ની જેમ 'ટાઇટેનિક'માં પણ સાત વોટરટાઇટ કમ્પાર્ટમેન્ટ હતાં કે જેથી એકથી વધુ કમ્પાર્ટમેન્ટમાં પાણી પેસી જાય તોપણ તે તરતી રહી શકે, પરંતુ ભયાનક વેગ સાથે ફૂંકાતા પવન સામે ઝીંક ઝીલવાની 'વીજળી'ની તાકાત કેટલી? કદ અને વૈભવની દૃષ્ટિએ બન્ને જહાજો વચ્ચે કોઈ તુલના નથી. 'વીજળી' ૧૭૦ ફૂટ લાંબી, ૨૬.પ ફૂટ પહોળી અને ૯.૨ ફૂટની ઊંડાઈ ધરાવતી હતી, જ્યારે 'ટાઇટેનિક' ૮૮૨ ફૂટ લાંબી અને ૧૦૪ ફૂટ એટલે કે લગભગ દસ માળની બિલ્ડિંગ જેટલી ઊંચી હતી. 'વીજળી' પર સવાર થયેલા તમામ ૭૪૬ જેટલાં સ્ત્રી-પુરુષો-બાળકો નામશેષ થઈ ગયાં, જ્યારે 'ટાઇટેનિક'ની સાથે ૧૫૧૩ માણસોએ જળસમાધિ લીધી, પણ ૭૧૧ માણસો બચી ગયા. સૌથી મોટો ફર્ક ઇતિહાસે જે રીતે આ જહાજોને યાદ રાખ્યાં છે તેમાં છે. 'ટાઇટેનિક'ના કાટમાળ સંબંધે સઘન સંશોધનો થયાં, પુષ્કળ લેખો અને પુસ્તકો લખાયાં, કેટલીય ડોક્યુમેન્ટરી બની, ભવ્ય મ્યુઝિયમ ઊભું થયું અને હોલિવૂડના ફિલ્મમેકર જેમ્સ કેમરોને 'ટાઇટેનિક' જેવી અપ્રતિમ ફિલ્મ બનાવીને આ જહાજને અમર બનાવી દીધું છે. તેની તુલનામાં 'વીજળી'ને યાદ રાખવા માટે ગુજરાતે શું કર્યું છે? થોડી લોકવાયકાઓને જન્મ આપી અને થોડું (પણ બહુ મહત્ત્વનું) સાહિત્ય રચ્યું, બસ.

રહસ્યના ધુમ્મસમાં ઓગળી જતી કરુણાંતિકા હંમેશાં દંતકથાઓને જન્મ આપી દે છે. તે સમયે મેટ્રિકની પરીક્ષા મુંબઈમાં ડિસેમ્બર માસમાં લેવાતી. તેથી 'વીજળી'માં તે ગોઝારા દિવસે કેટલાક વિદ્યાર્થીઓ હતા. કહેવાય છે કે આ જહાજમાં તેર વરરાજા ને જાનૈયા મુસાફરી કરી રહ્યા હતા. આ સૌનો જીવનદીપ એક ઝાટકે બુઝાઈ જવાથી હાહાકાર મચી ગયો. એક અત્યંત કરુણ કાવ્ય આ જ અરસામાં રચાયું:
"વાણિયા વાંચે, ભાટિયા વાંચે, ઘરોઘર રુંગા થાય... કાસમ
મામા-ભાણેજો ડૂસકે રુએ, રુએ ઘરની નાર... કાસમ
સગાં રુએ ને સગવા રુએ, બેની રોવે બારે માસ... કાસમ
પીઠી ચોળેલી લાડકી રુએ, માંડવે ઊઠી આગ... કાસમ
ફટ રે ભૂંડી વીજળી તુંને તેરસો માણસ જાય... કાસમ
વીજળી કે મારો વાંક નહીં બાવા, લખ્યા છઠ્ઠીના લેખ... કાસમ."
કાસમ એટલે 'વીજળી'ના કપ્તાન કાસમ ઇબ્રાહિમ. આ ઉપરાંત એક હાજી કાસમ નૂરમોહમ્મદ પણ હતા, જેમને શેફર્ડ કંપનીએ પોરબંદર ખાતે બુકિંગ એજન્ટ નીમ્યા હતા. વિખ્યાત સાહિત્યકાર ગુણવંતરાય આચાર્યે ૧૯૫૪માં 'હાજી કાસમ તારી વીજળી ડૂબી' નામની નવલકથા લખીને શ્રેષ્ઠ કામ કર્યું છે, પણ આ કથામાં ઐતિહાસિક તથ્યો કરતાં કલ્પનાને વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
'વીજળી' વેરણ થતાં કેટલાય પ્રશ્નો અનુત્તર રહી ગયા. શું કપ્તાને દરિયાઈ તોફાનની ચેતવણી અવગણી હતી? શું જહાજ પોરબંદરથી પાછું માંડવી તરફ વાળી શકાયું હોત?

'વીજળી' કઈ રીતે તૂટી તે નહીં, પણ આજ સુધી તેના અવશેષનો એક અંશ સુધ્ધાં કેમ મળ્યો નથી તે ખરું રહસ્ય છે. દુર્ઘટના ઘટી પછી વર્ષો સુધી સૌરાષ્ટ્રના દરિયામાં ક્યારેક 'વીજળી'નું ભૂત એટલે કે ઘોસ્ટ શિપ દેખાતું રહ્યું એવી પણ વાયકા છે. ગુજરાતના સામુદ્રિક ઇતિહાસમાં 'વીજળી' હંમેશાં ચમકતી રહેશે, મન-હૃદયને પીડા આપતા જખમની જેમ...
હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ!
શેઠ કાસમ, તારી વીજળી રે સમદરિયે વેરણ થઇ!
ભુજ અંજારની જાનું રે જૂતી
જાય છે મુંબઇ શે’ર.—કાસમ, તારી0
દેશપરદેશી માનવી આવ્યાં,
જાય છે મુંબઇ શે’ર.—કાસમ, તારી0
દશબજે તો ટિકટું લીધી
જાય છે મુંબઇ શે’ર.—કાસમ, તારી0
તેર તેર જાનું સામટી જૂતી,
બેઠા કેસરિયા વર.—કાસમ, તારી0
ચૌદ વીશુંમાંય શેઠિયા બેઠા
છોકરાંનો નૈ પાર.—કાસમ, તારી0
અગિયાર બજે આગબોટ હાંકી
જાય છે મુંબઇ શે’ર.—કાસમ, તારી0
બાર બજે તો બરોબર ચડિયાં
જાયછે મુંબઇ શે’ર.—કાસમ, તારી0
ઓતર દખણના વાયરા વાયા
વાયરે ડોલ્યાં વા’ણ.—કાસમ, તારી0
મોટા સાહેબની આગબોટું મળિયું
વીજને પાછી વાળ્ય.—કાસમ, તારી0
જહાજ તું તારું પાછું વાળ્યે
રોગ તડાકો થાય.—કાસમ,તારી0
પાછી વાળું, મારી ભોમકા લાજે. !
અલ્લા માથે એમાન. –કાસમ, તારી0
આગ ઓલાણી ને કોયલા ખૂટ્યા.
વીજને પાછી વાળ્ય.—કાસમ, તારી0
મધદરિયામાં મામલા મચે
વીજળી વેરણ થાય.—કાસમ, તારી0
ચહ(1)માં માંડીને માલમી જોવે
પાણીનો ના’વે પાર.—કાસમ, તારી0
કાચને કુંપે કાગદ લખે(2)
મોકલે મુંબઇ શે’ર—કાસમ, તારી0
હિન્દુ મુસલમીન માનતા માને
પાંચમે ભાગે રાજ.—કાસમ, તારી0
પાંચ લેતાં તું પાંચસે લેજે
સારું જમાડું શે’ર.—કાસમ, તારી0
ફટ ભૂંડી તું વીજળી! મારાં
તેરસો માણસ જાય.—કાસમ, તારી0
વીજળી કે મારો વાંક્ક નૈ, વીરા
લખિયલ છઠ્ઠીના લેખ..—કાસમ, તારી0
તેરસો માણસ સામટાં બૂડ્યાં
બૂડ્યા કેસરિયા વર.—કાસમ. તારી0
ચૂડી એ કોઠે દીવા જલે ને
જુએ જાનું કેરી વાટ.—કાસમ. તારી0
મુંબઇ શે’રમાં માંડવા નાખેલ
ખોબલે વેં’ચાય ખાંડ.—કાસમ, તારી0
ઢોલ ત્રંબાળુ ધ્રુસકે વાગે
જુએ જાનુંની વાટ.—કાસમ, તારી0
સોળસેં કન્યા ડુંગરે ચડી
જુએ જાનુંની વાટ.—કાસમ, તારી0
દેશદેશથી તાર વછૂટ્યા
વીજળી બૂડી જાય.—કાસમ, તારી0
વાણિયો વાંચે ને ભાટિયા વાંચે
ઘર ઘર રોણાં થાય.—કાસમ, તારી0
પીઠી ભરી તો લાડડી રુએ
માંડવે ઊઠી આગ.—કાસમ, તારી0
સગું રુએ એનું સાગવી રુએ
બેની રુએ બાર માસ.—કાસમ, તારી0
મોટાસાહેબે(3) આગબોટું હાંકી
પાણીનો ના’વે પાર.—કાસમ, તારી0
મોટા સાહેબે તાગ જ લીધા
પાણીનો ના’વે પાર. –કાસમ, તારી0
સાબ મઢ્યમ બે દરિયો ડોળે
પાણીનો ના’વે તાગ.—કાસમ, તારી0

Comments
Post a Comment