ત્યારે સરદારે શ્રીનગરની ધરતી પર લલકાર કર્યો હતો
૧૯૪૭નાં વર્ષના આખરી દિવસો હતા. કાશ્મીરની સ્થિતિની જાતમાહિતી મેળવવા સરદાર શ્રીનગરની મુલાકાતે ગયા હતા. સ્થાનિક આગેવાનોએ કાશ્મીર વિશે સરદારના વિચારો જાણવા શેખ અબદુલ્લાની અનિચ્છા છતાં એક જાહેરસભાનું આયોજન કર્યું હતું. ”કાશ્મીર મારું છે,” ”કાશ્મીર મુસલમાનોનું છે” એવી શેખ અબદુલ્લાની શેખીથી વાજ આવી ગયેલા સરદારે શ્રીનગરની જાહેરસભામાં શેખ અબદુલ્લાને લલકારતા જે શબ્દો ઉચ્ચાર્યા હતા તે સરદારની કાશ્મીર અંગેની દૃઢ નિર્ણયશક્તિનો પરિચય કરાવે છે.
”કાશ્મીર મારા બાપનું પણ છે, કાશ્મીરમાં હિંદુ પણ હોય, મુસ્લિમ પણ હોય તેવા ગુર્જરીની વસતી ઘણી મોટી છે.(પશુપાલનનો મુખ્ય વ્યવસાય) તો હુંયે ગુજ્જર છું. ગુજરાત ભલે મારી જન્મભૂમિ હોય, કાશ્મીર મારું પણ છે. કાશ્મીર ભારતનું છે.” સરદારે બુલંદ ઘોષણા કરતાં કહ્યું હતું : ”કાશ્મીરની એક ઈંચ પણ ધરતીને કોઈ પડાવી નહીં શકે. કાશ્મીરનું રક્ષણ કરવા અમે તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. મારી મુલાકાત તો અવિધિસરની છે અને પરિસ્થિતિ કેવી છે તે જાતે જોવા આવ્યો છું. ભાષણ માટેનો આ સમય નથી, પરંતુ કાશ્મીર એ ભારતનો જ ભાગ છે અને રહેશે તેની હું ખાતરી આપું છું.” અખબારી અહેવાલો અનુસાર સરદારની આ ઘોષણાને વિશાળ માનવમેદનીએ તાળીઓના ગડગડાટ વચ્ચે વધાવી લીધી હતી.
આઝાદી પછી ભારતીય ભૂમિમાં જો સૌથી મોટી સમસ્યા હોય તો તે કાશ્મીરની છે. અણઆવડત અને સ્વાર્થી રાજનીતિએ આ સરહદી રાજ્યમાં આતંકવાદને વધુ ને વધુ ઉગ્ર બનાવ્યો છે. લાખ જેટલા સુરક્ષાકર્મીઓને ત્યાં ગોઠવવામાં આવ્યા છે. છતાંય વકરતા ત્રાસવાદને નાથવામાં નિષ્ફળતા સાંપડી છે. આ પરિસ્થિતિમાં સરદાર વલ્લભભાઈ આજે હોત તો કાશ્મીરમાં સરકારી રાહે કેવાં પગલાં ભર્યાં હોત એવો ઉદ્ગાર સ્વાભાવિકપણે જ આમ જનતાનાં મનમાં ઉદ્ભવે છે ત્યારે આઝાદીના આરંભના દિવસોએ કાશ્મીરનું રક્ષણ કરવામાં સરદારે સમયોચિત કેવાં કદમ ઉઠાવ્યાં હતાં એનું અવલોકન કરવાથી ”સરદાર આજે હોત તો કાશ્મીરમાં શું કરત?” એ પ્રશ્નનો જવાબ આપોઆપ એમનાં કાર્યમાંથી જ મળી રહે છે.
‘સ્લેન્ડર વોઝ ધ થ્રેડ’ પુસ્તક શું કહે છે?
૨૩મી ઓક્ટોબર, ૧૯૪૭નો એ દિવસ ભારતને આઝાદી મળ્યાને હજુ તો માત્ર બે મહિના જેટલો જ સમય પસાર થયો હતો. પાકિસ્તાનમાંથી પાંચ હજાર જેટલા તાયફાવાળા કાશ્મીરમાં ઘૂસી આવ્યા. આ તાયફાવાળા એટલે પાકિસ્તાનના સરહદ પ્રાંતના આદિજાતિ પ્રજાજનો. પાકિસ્તાન પ્રેરિત આ ત્રાસવાદી તત્ત્વોએ સરંજામ સાથે ૩૦૦ જેટલા ખટારા ભરીને કાશ્મીરમાં અંધાધૂંધ આક્રમણ કર્યું હતું. બારામૂલા સહિત કેટલાંક શહેરો પર કબજો જમાવી આ આક્રમણખોરો નવેમ્બરની ૪થી તારીખે કાશ્મીરનાં પાટનગર શ્રીનગરની સરહદ સુધી પહોંચી ગયા. મહારાજા હરિસિંહે ભયભીત બની પોતાનો જીવ બચાવવા હિંદુ વસતી ધરાવતાં જમ્મુમાં આશરો લીધો હતો. શ્રીનગર શહેરનાં રક્ષણની જવાબદારી ભારતીય લશ્કરના બ્રિગેડિયર એલ. પી. સેનનાં નેતૃત્વ નીચે ૧૬૧ની બ્રિગેડને હસ્તક હતી, પરંતુ ૫,૦૦૦ જેટલા સશસ્ત્રખોરોનો સામનો કરવો મુશ્કેલ હતો. બ્રિગેડિયર સેને દિલ્હીમાં નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલનો સંપર્ક કર્યો. પરિસ્થિતિની ગંભીરતા જોઈ જાતમાહિતી માટે સરદારે તુરત જ શ્રીનગર જવાનો નિર્ણય કર્યો. સાથે સંરક્ષણમંત્રી બળદેવસિંહ અને મણિબહેન હતાં. એરપોર્ટથી સીધા લશ્કરી મથકે પહોંચી ગયા.
એ પછીની હકીકતો બ્રિગેડિયર એલ. પી. સેન લેખિત ‘સ્લેન્ડર વોઝ ધ થ્રેડ’ પુસ્તકમાં સેનના શબ્દોમાં જ જાણીએ.
”મેં પરિસ્થિતિનો ચિતાર આપવાથી શરૂઆત કરી કે થોડી જ વારમાં સરદાર પટેલે આંખો મીંચી દીધી. મને થયું કે વિમાની મુસાફરીના પરિશ્રમને કારણે એમને ઊંઘ આવી ગઈ હશે. મારું બોલવાનું પૂરું કરીને મેં સંરક્ષણમંત્રી સરદાર બળદેવસિંહ સામે જોયું અને સીધો જ સવાલ કર્યો. ”મારે શ્રીનગરને એનાં નસીબ પર છોડીને હુમલાખોરોને ખીણમાંથી હાંકી કાઢવાના છે કે શ્રીનગરને બચાવવાનું છે?” સરદાર પટેલ હલ્યા, વાઘ સૂતો ન હતો. મારા અહેવાલનો શબ્દેશબ્દ એમણે સાંભળ્યો હતો. એ પોલાદી મનોબળ ધરાવતા ઓછાબોલા આગેવાન હતા. ”શ્રીનગરને તો બચાવવું જ જોઈએ” સરદાર માત્ર આટલું બોલ્યા.
”તો પછી મારે વધુ સૈનિકો જોઈશે અને એ પણ જલદીથી ઉપરાંત થોડું તોપખાનું પણ.”
સાંભળીને સિંહ છલાંગ મારે એમ સરદાર ખુરશીમાંથી ઊભા થયા અને બોલ્યા. ”હું હમણાં જ દિલ્હી પાછો જાઉં છું, તમારે જે જોઈએ છે એ વહેલી તકે મળી જશે” અને દિવસે સાંજે જ મને સંદેશો મળ્યો કે જરૂરી સંરક્ષણ સરંજામ સહિત લશ્કરી જવાનો શ્રીનગર આવવા રવાના થઈ ગયા છે. સરદાર પટેલે ‘મેન ઓફ ઓફ ધ એક્શન’ની પોતાની નામના સાર્થક કરી બતાવી હતી.
સરદાર પટેલની મુલાકાતે અને ત્વરિત નિર્ણયશક્તિએ એ દિવસોમાં શ્રીનગર ત્રાસવાદીઓના હસ્તક જતું અટક્યું. બ્રિગેડિયર સેન પાછળથી લેફ્ટનન્ટ જનરલ બન્યા હતા. નિવૃત્તિ પછી લખાયેલાં આ પુસ્તકમાં સરદાર વલ્લભભાઈની ભારે પ્રશંસા કરી છે. સેન લખે છે કે એ સમયે પાકિસ્તાને જો શ્રીનગર પર કબજો જમાવી લીધો હોત તો ભારત માટે સમગ્ર કાશ્મીરને બચાવવું મુશ્કેલ થઈ પડત.
Comments
Post a Comment