Via This Blog My Aim is to reach all the People and Provide Best Information about the Current Topic and Also History about our Ancient India.
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
દેસાઈ ઈચ્છારામ સૂર્યરામ
દેસાઈ ઈચ્છારામ સૂર્યરામ, ‘શંકર’ (૧૦-૮-૧૮૫૩, ૫-૧૨-૧૯૧૨) : નવલકથાકાર, અનુવાદક, સંપાદક. જન્મ વતન સુરતમાં, અંગ્રેજી છ ધોરણ સુધીનો અભ્યાસ. થોડો સમય સુરતમાં ‘દેશીમિત્ર’ છાપખાનામાં બીબાં ગોઠવવાનું શીખ્યા. ૧૮૭૬માં મુંબઈમાં ‘આર્યમિત્ર’ સાપ્તાહિક ચારેક મહિના ચલાવ્યા પછી ‘મુંબઈ સમાચાર’ માં પ્રૂફરીડર. સુરત પાછા આવી ૧૮૭૮ થી ‘સ્વતંત્રતા’ માસિક શરૂ કર્યું. તેમાં પ્રકાશિત રાજ્કીય લખાણો માટે રાજદ્રોહના ગુનાસર અંગ્રેજ સરકારે ધરપકડ કરી, પણ ફિરોઝશાહ મહેતાની સહાયથી નિર્દોષ ઠર્યા. મુંબઈ જઈ મિત્રોની ને મુંબઈના સાક્ષરોની સહાયથી ૧૮૮૦માં ‘ગુજરાતી’ સાપ્તાહિકનો પ્રારંભ કર્યો અને ઘણી આર્થિક કટોકટી તથા સરકારી દરમિયાનગીરી વચ્ચે પણ મૃત્યુપર્યંત તે ચલાવ્યું. ‘હિંદ અને બ્રિટાનિયા’ (૧૮૮૬) એમના સમયમાં એમને ખૂબ પ્રસિદ્ધિ અપાવનારી એમની રાજ્કીય નવલકથા છે. મીરજા મુરાદઅલી બેગની લેખમાળા ‘માઉન્ટન ટૉપ’ પરથી પ્રેરણા લઈ રચાયેલી તથા હિન્દદેવી, બ્રિટનની દેવી, સ્વતંત્રતાની દેવી અને દેશહિતપુરુષ વચ્ચે થતાં લાંબાલાંબા સંવાદોમાં લખાયેલી આ નવલકથામાં તે સમયના ભારતની રાજ્કીય સ્થિતિની ચર્ચા છે. ‘ગંગા-એક ગુર્જરવાર્તા તથા શિવાજીની લૂંટ’ (૧૮૮૮)માં એક સામાજિક નવલકથા છે, તો બીજી ઐતિહાસિક વાર્તા છે. ‘ટીપુ સુલતાન’- ભા. ૧ (૧૮૮૯) અધૂરી ઐતિહાસિક નવલકથા છે. ‘સવિતાસુંદરી’ (૧૮૯૦) વૃદ્ધવિવાહની મજાક ઉડાવતી એમની સામાજિક નવલકથા છે. ‘રાજભક્તિ વિડંબણ’ (૧૮૮૯) એ ભાણ પ્રકારની કૃતિ છે.
‘ચંદ્રકાન્ત’ : ભા. ૧, ૨, ૩ (૧૮૮૯, ૧૯૦૧, ૧૯૦૭) એ આ લેખકનો બીજો લોકપ્રિય ગ્રંથ છે. સાત ખંડ સુધી જેને વિસ્તારવાની ઈચ્છા છતાં લેખકના મૃત્યુને લીધે અધૂરા રહેલા આ ગ્રંથમાં વેદાંતના વિચારોની સરળ ભાષામાં સદ્દષ્ટાંત સમજૂતી અપાઈ છે. ‘બૃહત્ કાવ્યદોહન’ના આઠ ભાગ (૧૮૮૬, ૧૮૮૭, ૧૮૮૯, ૧૮૯૦, ૧૮૯૫, ૧૯૦૦, ૧૯૧૨, ૧૯૧૩)માં મધ્યકાલીન કવિઓના જીવનની માહિતી આપતા લેખો અને તેમનાં કાવ્યો સંપાદિત કરીને તે સમયે મધ્યકાલીન કવિઓ અને કવિતા વિશે ઉપલબ્ધ સામગ્રીને એકત્ર કરવાનો ઐતિહાસિક પુરુષાર્થ થયો છે. ‘પુરુષોત્તમ માસની કથા’ (૧૮૭૨), ‘ઓખારણ’ (૧૮૮૫), ‘નળાખ્યાન’ (૧૮૮૫), ‘પદબંધ ભાગવત’ (૧૮૮૯), ‘કૃષ્ણચરિત્ર’ (૧૮૯૫), ‘આદિ ભક્તકવિ નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ’ (૧૯૧૩) એ એમના અન્ય સંપાદનગ્રંથો છે. મહાભારતનાં વિવિધ પર્વોનો અન્ય વિદ્વાનો પાસેથી અનુવાદ કરાવી તેનું સંપાદન ‘મહાભારત’-૧, ૨, ૩ (૧૯૦૪, ૧૯૧૧, ૧૯૨૧)માં એમણે કર્યું છે.
બૃહત્ કાવ્યદોહન- ભાગ ૧-૮ (૧૮૮૬-૧૯૧૨) : ઈચ્છારામ સૂર્યરામ દેસાઈએ સંપાદિત કરેલા મધ્યકાલીન સાહિત્યકૃતિઓના સંગ્રહો. મધ્યકાલીન કૃતિઓને એકઠી કરવાનું, એના પાઠ તૈયાર કરવાનું અને એને પ્રકાશિત કરવાનું પ્રારંભિક છતાં ભગીરથ કાર્ય અહીં થયેલું છે. સાહિત્યિક મૂલ્યથી નિરપેક્ષ રહી જે કાંઈ મધ્યકાલીન સાહિત્યસામગ્રી ઉપલબ્ધ બની તેને ગુજરાતી સાહિત્યના ઇતિહાસના સાધનરૂપે સાચવી લેવાનો પ્રયત્ન આ સંપાદનો પાછળ મુખ્ય છે. લોકપ્રિય કાવ્યો સુલભ થાય અને સારા સંગ્રહો બહાર આવે એવા હેતુથી થયેલાં આ સંપાદનોને અંતે કઠણ શબ્દોનો કોશ પણ આપવામાં આવ્યો છે. મીરાંબાઈ, નાકર, દયારામ, પ્રીતમ વગેરે અંગેના વિસ્તૃત લેખો આ સંગ્રહો સાથે સંકળાયેલા છે.
Comments
Post a Comment