હે માય ડિયર કૃષ્ણ, હેપી બર્થ ડે !

રિવરફ્રન્ટની પાળેથી : – હર્ષદ પંડયા ‘શબ્દપ્રીત’
માય ઇકો ફ્રેન્ડ કૃષ્ણ! આ ગુરૂવારે તો બોસ તમારો બર્થ ડે !
મેં તમને ઇકો ફ્રેન્ડ તરીકે સંબોધન કર્યું એ વાંચી જરાક અચરજ તો થયું હશે, કારણ કે તમને આટલા ક્લોઝલી અને આટલા બ્લોઝમલી માનવાનો અધિકાર તો તમારા બાલસખા સુદામા અને વયસખા અર્જુનને જ છે, તો વચમાં આ ગરીબ બ્રાહ્મણ ક્યાંથી ટપકી પડયો? પણ દોસ્ત, મારામાં સુદામાની ગૌરવશીલ ગરીબી અને અર્જુન જેવું વિષાદપણું તો છલોછલ છે. આ દૃષ્ટિએ હે મિત્ર, હું ભલે તમારો ‘વય મિત્ર’ નહીં પણ ‘મય મિત્ર’ તો છું. મય મિત્ર એટલે અમારા શાયરો અને સાહિત્યકારો જે સમજે છે એ નહીં પણ તમારા મય બની ગયેલો મિત્ર!
તમે સૌને ખૂબ ગમો છો, કારણ કે તમે ખરેખર કામમાં આવો એવા છો! મને સ્વયંસિદ્ધ વિરોધાભાસી મિત્રો વધારે ગમે છે. તમે તો પૂર્ણ વિરોધાભાસી પુરૂષોત્તમ છો. ‘કહેવું કંઈક અને કરવું કંઈક’ એ તમારો સ્વભાવ છે. જુઓને, જન્મ લીધો કારાવાસમાં પણ લીલા કરી જીવનવાસમાં ! જન્મ લીધો મથુરામાં પણ ત્યાંથી ભાગીને પહોંચ્યા ગોકુળમાં, વળી પાછા ત્યાંથી દ્વારિકા અને આમ દોડતા રહેવામાં ભારત નાનું પડયું, તે પહોંચ્યા અમેરિકા… ‘હરે કૃષ્ણ’ થઈને રહેવા માટે! જોકે તમે અગમચેતીવાળા તો ખરા જ! તમે આજની અમારી ૨૧મી સદીમાં અમેરિકા જવાનું પ્લાનિંગ કર્યું હોત તો બોસ ચોક્કસ તમે રખડી પડત! પાસપોર્ટ અને વિઝા માટે અડધી જિંદગી તમારે ધક્કા ખાવા પડત!
હે ગિરિધર, તમારી જેટલી લીલા એટલાં નામ! અહીં ધર્મનાં નામે પોતાનો વિકાસ કરી રહેલી કેટલીક ધાર્મિક એજન્સીઓ તો, તમનેય તમારી જાણકારી ન હોય એવી એવી રહસ્યમય જાણકારીઓ ભક્તોમાં ફેલાવી રહી છે. એ લોકો એવું કહેતા ફરે છે કે જેટલી ગોપીઓ હતી એટલાં તમારાં નામ છે પણ હું નથી માનતો. હા, તમારાં એક હજાર નામ છે, એ વાત સાચી… આ એક હજાર નામોમાંથી અમારા રાજભક્તોએ તમારા એક જ નામને અપનાવી લીધું છે અને એ છે : નટવર! હવે તો જોકે અમારે ત્યાં કશુંક ગોટાળા જેવું કોઈ કરે કે તરત જ અમારા મીડિયાવાળા એને ‘મિ. નટવરલાલ’ તરીકે સંબોધતા થઈ જાય છે. કેટલું ચિત્તાકર્ષક અને મનમોહક નામ છે : ‘નટવરલાલ!’ કહેવાય છે કે દરેક ગોપી તમને જુદા જુદા કોડવર્ડથી મતલબ કે જુદાં જુદાં નામે બોલાવતી’તી! તમારું જોઈને અમારા આજના પ્રેમીઓ પણ આવું શીખી ગયા છે! ના, એકબીજાનાં અલગ-અલગ નામ રાખવાનું નહીં પણ પોતપોતાનાં મોબાઇલમાં અલગ-અલગ રિંગટોન રાખવાનું! રિંગટોન પરથી ખબર પડે કે આજે આટલા વાગે આ ફોન કોનો હશે! છે ને, તમનેય અને ગોપીઓનેય ઈર્ષા આવે એવું અમારા આજના પ્રેમીઓનું મિલનમેનેજમેન્ટ!
હે ગીતાકાર! તમે ભગવદ્ ગીતા આપીને તો કમાલ કરી છે હો! મને થાય છે કે ગીતાનું સર્જન ન થયું હોત તો અમારા કેટલાક કહેવાતા ચિંતકો-લેખકો અને કથાકારોનું શું થયું હોત? મારા બેટા, આ બધાય વાતવાતમાં ‘ગીતામાં તો આમ કહ્યું છે, ને ગીતામાં તો તેમ કહ્યું છે’ એવું બરાડી-બરાડી, તમનેય વિચારતા કરી મૂકે, કે… શું ખરેખર મેં આવું કહ્યું છે? સારું છે કે તમે સદેહે હાજર નથી. હાજર હોત તો કેટલાક ધર્મનેતાઓ તમને મળવા તો શું, ઓળખવા માટે પણ તૈયાર ન થાય!
અરે બોસ, આ તો કંઈ નથી, કોઈ મહાનુભાવ એવા લલ્લુ-પંજુનેય ઇન્ટરવ્યૂમાં એવું પૂછવામાં આવે કે, સર, કયાં પુસ્તકે તમારા જીવન પર સૌથી મોટો પ્રભાવ પાડયો? તો એ ફટ્ કરતાં કહી દે છે : ‘ભગવદ્ ગીતાએ.’ એના બાપ જન્મારામાંય પૂરો ગીતાગ્રંથ એણે વાંચ્યો ન હોય, તોય ! પણ દોસ્ત, તમે તમારું વચન ‘યોગક્ષેમ વહામ્યહમ્’ ખરેખર પાળી બતાવ્યું છે. અમારા કેટલાક કવિઓ માટે તો બોસ તમે બ્રેડ-બટર બની ગયા છો. તમે ગોપીઓને ઘેલી નહીં કરી હોય એટલી હદે અમારા આ કવિઓએ દેશ-વિદેશમાં ગોપીભાવે જીવતી મોટાભાગની વ્યક્તિઓને હરખઘેલી અને ગાંડીઘેલી કરી દીધી છે! ખરેખર, તમે કામના માણસ છો! ‘ડયુઅલ પોલિસી’ના પ્રથમ રાજનેતા પણ તમે જ કહેવાવ! જુઓને, કારાવાસનાં બંધનમાં જન્મ લઈનેય વાત મોક્ષની કરો છો! પોતે શ્યામ હોવા છતાં આગ્રહ સફેદનો!(રાધા ગોરી, માખણ-દૂધ સફેદ, પારિજાતનાં ફૂલ સફેદ, શરદપૂનમની રાતનો રાસ પણ ઊજળો અને દૂધ-પૌંઆ પણ સફેદ!) એક બાજુ ગોપીઓનાં વસ્ત્રો ખેંચી લો છો તો બીજી બાજુ દ્રૌપદીનાં ચીર પૂરો છો! આવી કોન્ટ્રોવર્સી તો અમારા આજના રાજકારણીઓમાંય જોવા મળે છે!
સંબંધોનું વાવેતર તો બોસ તમે જ કરી શકો! સોળહજાર સોળસો ગોપીઓને રાજી રાખવાની, રાધાને મનાવવાનાં, રૂક્મિણીના વિશ્વાસને અખંડ રાખવાનો, મીરાં જ્યારે પણ અરજી કરે ત્યારે એની પાસે હાજર થઈ જવાનું! મારો એક કવિમિત્ર છે એ તમારા નામેનામ છે… એ તમને શું કહીને બોલાવે છે ખબર છે? ‘લેડી કિલર!’ એનું માનવું છે કે કૃષ્ણ ભગવાન એટલે ‘લાઇસન્સ ટુ કિલ!’ જોકે હું તો એમ માનું છું કે કૃષ્ણ એટલે ‘લાઇસન્સ ટુ લવ!’
સચ્ચાઈનો યુનિફોર્મ પહેરાવી જૂઠને કેવી રીતે એરિસ્ટોક્રેટ બનાવવું એ તો બોસ કોઈ તમારી પાસેથી જ શીખે ! ‘બાળ અવસ્થામાં ગાલ પર અને હોઠની બાજુએ માખણ ચોંટયું’તું છતાં તમે યશોદા મૈયાને હળાહળ જુઠ્ઠું કહી દો કે… ‘મૈયા મોરી મૈં નહીં માખન ખાયો.’ આ કેટલે અંશે વાજબી કહેવાય? જોકે છેવટે તમે કબૂલ પણ કરી જ લીધું કે… ‘મૈયા મોરી ‘મૈને’ હી માખન ખાયો!’ આમાં તમારી શબ્દચતુરાઈ દેખાઈ… પણ તમારી આ શબ્દરમતનો ઉપયોગ અમારા આજના નેતાઓ કેવા બેફામપણે કરી રહ્યા છે એનો તમે વિચાર કર્યો છે? જુઠ્ઠું બોલીને તરત જ ફરી જવામાં જેણે ઁર.ડ્ઢ. કર્યું છે એવા અમારા એક નેતા મિત્રે તો પોતાનું અસલી નામ પણ એફિડેવિટ કરાવીને બદલાવી નાખ્યું છે. મૂળ નામ તો યાદ નથી પણ હાલમાં એ ‘મિસ્ટર નટવરલાલ’ તરીકે ઓળખાય છે!
મારા કાગળ વાંચીને દોસ્ત તમને કદાચ નવાઈ લાગશે કે સુદામા જેવો મારો બ્રાહ્મણ દોસ્ત મને ચિઠ્ઠીચપાટી લખવાની હિંમત કરી શક્યો નહોતો… અને આ ‘હર્ષદ’ નામનો બ્રાહ્મણ આવી હિંમત કરે જ કેમ? તો બોસ, જરા એટલુંય જાણી લો, કે… હું ય સુદામાથી કંઈ જાઉં એવો નથી! કહ્યું તો મારેય કરવું પડે છે ! મારેય એવાં મહેણાં અને કટાક્ષ સાંભળવા પડે છે, જેવાં મિસિસ સુદામાએ સુદામાને સંભળાવેલાં! ખબર છે ને મિસિસ સુદામાએ સુદામાને ફરિયાદ કરેલી, કે… ‘મને એ જ્ઞાન ગમતું નથી ઋષિરાયજી, લાવો અન્ન લાગું પાયજી!’ એમ મારે પણ બબ્બે કાને સાંભળવું પડે છે કે, ‘મને એ લેખો ગમતા નથી હર્ષદરાયજી, લાવો ખોખાં લાગુ પાયજી!’
કેટલાક સાહિત્યકારો માટે તો તમે ખરેખર ઓક્સિજન બની ગયા છો!
બસ ત્યારે, હવે અટકું…
બસ, એજ લિ.
તમારો દોસ્ત એક ભારતીયજન!
ચૂસકી
– મારા ભાષણમાંથી તમે શું શીખ્યા?
– એ જ કે, સમયનો બગાડ કરવા માટે પણ માણસે કેટલી તૈયારી કરવી પડે છે!

Comments
Post a Comment