ભારતમાં કૃષિવિકાસના પંચપ્રાણ

અર્થકારણના પ્રવાહો : -પ્રા. આર. સી. પોપટ
આજે જ્યારે ભારતનાં કૃષિક્ષેત્ર વિશે માંડીને વાત કરવી છે. વાત માંડી છે એટલે થોડી લાંબી ચાલશે. બે-ત્રણ હપ્તાઓ સુધી લખાય પણ ખરી. આજ સુધીમાં કૃષિક્ષેત્ર વિશે જે કંઈ લખાયું છે તે ટુકડે ટુકડે લખાયું છે. કોઈ વખત ઉત્પાદનનું પાસું તો કોઈ વખત સિંચાઈનું પાસું અથવા તો ટેક્નોલોજીનું પાસું એમ જુદા જુદા ટુકડાઓમાં ચર્ચા થતી આવી છે. તેનાથી કૃષિક્ષેત્રનાં સ્વરૂપ અને પ્રશ્નોનું સર્વાંગી ચિત્ર ઊપસતું નથી. આંધળાઓ હાથીનું વર્ણન કરે તેવો ઘાટ સર્જાય છે તેથી સમગ્ર ખેતીક્ષેત્રના સર્વાંગી પ્રશ્નોની એક પેકેજનાં રૂપમાં ચર્ચા જરૂરી બની છે. આપણે અહીં એનો પ્રયત્ન આદર્યો છે.
કૃષિક્ષેત્રનો વિકાસ એટલે માત્ર કૃષિઉત્પાદનમાં વધારો જ નહીં, તે સિવાયનાં પણ અનેકવિધ પાસાંઓ કૃષિવિકાસ સાથે જોડાયેલાં છે. તે બધા પ્રશ્નોનું પણ સામટું નિરાકરણ લાવી શકાય ત્યારે જ કૃષિક્ષેત્રનો વાસ્તવિક વિકાસ થઈ શકે તેવું છે. કૃષિક્ષેત્રની સમૃદ્ધિની એક જ અંતિમ પારાશીશી એ છે કે ખેડૂત પ્રસન્ન રહેવો જોઈએ અને સમૃદ્ધ બનવો જોઈએ. ૨૦૨૦ સુધીમાં ખેડૂતની આવક બમણી કરવાનું ધ્યેય દાખલ કરવું હોય તો તેની સાથે સંકળાયેલાં તમામ પાસાંઓનું એક સાથે નિરાકરણ લાવવું પડશે. માત્ર ઉત્પાદન વધવાથી તે સિદ્ધ નહીં થાય. ઉત્પાદન વધવાથી મોટા ખેડૂતોની આવક વધશે, નાના અને સીમાંત ખેડૂતોનો તો દેવાંનો બોજ વધતો જશે.
ખેતીક્ષેત્રના વિકાસ સાથે પાંચ બાબતો સંકળાયેલી છે.
૧. કૃષિક્ષેત્રે ઉત્પાદન અને ઉત્પાદકતાનો વધારો.
૨. કૃષિઊપજના સંગ્રહની વિકેન્દ્રિત વ્યવસ્થા.
૩. ખેતપેદાશોનાં વેચાણની વૈજ્ઞાાનિક અને આધુનિક બજારવ્યવસ્થા.
૪. ખેતીક્ષેત્રને સતત પરેશાન કરતાં અનિશ્ચિતતાનાં તત્ત્વને પરાજિત કરવું.
૫. ખેતીક્ષેત્રમાં નવાં સંશોધનો અને નવી ટેક્નોલોજીનો ઉપયોગ સાર્વત્રિક બનાવવો.
પંચમહાભૂતનાં બનેલાં માનવશરીરમાં પાંચ પ્રકારના પ્રાણવાયુ નિરંતર ગતિ કરતા રહીને શરીરનેટકાવી રાખીને ક્રિયાશીલ અને તંદુરસ્ત રાખે છે. આ પાંચ પ્રાણવાયુ પ્રાણ, અપાન, વ્યાન, ઉદ્વાન અને સમાન નામના છે. આને માનવજીવનના પંચપ્રાણ કહેવાય છે. આ પંચપ્રાણ વચ્ચે પૂરેપૂરી સમાનતા અને સમતુલા જળવાઈ રહેવી અનિવાર્ય છે. તેવી જ રીતે ઉપર દર્શાવેલી પાંચ બાબતો કૃષિવિકાસના પંચપ્રાણ છે. આ પાંચેય બાબતો ઉપર એકસરખું અને એક સાથે લક્ષ્ય આપી શકાય ત્યારે જ કૃષિક્ષેત્રનો વિકાસ સાચા અર્થમાં શક્ય બનશે.
આપણે આ પાંચેય પ્રાણોની એક પછી એક છણાવટ કરવાની છે.
ઉત્પાદન અને ઉત્પાદકતા
કૃષિવિકાસની પૂર્વશરત કૃષિઉત્પાદનમાં વધારો કરવાની છે. કૃષિવિકાસનો અર્થ જ એ છે કે, કૃષિક્ષેત્રની આવકમાં વધારો થવો જોઈએ અને તે માટે કૃષિઉત્પાદન વધવું જોઈએ. છેલ્લાં ૪૦ વર્ષથી કૃષિક્ષેત્રનાં ઉત્પાદનનો વૃદ્ધિદર ૨ ટકાથી વધ્યો નથી, પરિણામે કુલ રાષ્ટ્રીય આવકનાં સર્જનમાં ૧૯૫૧ પછીના પ્રથમ દાયકામાં કૃષિક્ષેત્રનો ફાળો ૫૬ ટકા જેટલો નોંધપાત્ર હતો તે ત્યાર પછીના દાયકાઓમાં ઉત્તરોત્તર ઘટતાં જતાં ૨૦૧૪-૧૫ સુધીમાં ૧૫ ટકાનો થઈ ગયો છે. વિકાસની વ્યૂહરચનામાં કૃષિક્ષેત્રની થતી રહેલી એકધારી ઉપેક્ષાનું એ પ્રતિબિંબ હતું. આર્િથક આયોજનમાં પણ કૃષિક્ષેત્રમાં થતી ખર્ચની ફાળવણી કુલ યોજના ખર્ચમાં ૧૦થી ૧૨ ટકા જેટલી જ સીમિત રહેતી હતી, જ્યારે અર્થતંત્રનાં અન્ય ક્ષેત્રોમાં તે ૩૫ ટકાની આસપાસ રહેતી હતી. હવે છેલ્લાં બે વર્ષથી કૃષિક્ષેત્રમાં ઉત્પાદનવૃદ્ધિ ૨ ટકાથી ઊંચકાઈને ૫ ટકા સુધી પહોંચી છે. અલબત્ત, આ ઉત્પાદનવૃદ્ધિ ચોમાસાની સફળતા-નિષ્ફળતા ઉપર આધારિત રહે છે.
જોકે, દેશમાં અનાજનું ઉત્પાદન અત્યારે સંતોષકારક સપાટીએ પહોંચ્યું છે. ૨૦૧૫-૧૬માં અનાજનું ઉત્પાદન ૨૭ કરોડ ટનની આસપાસનું હતું. દેશની સરેરાશ વાર્ષિક જરૂરિયાત અંદાજે ૨૨ કરોડ ટનની છે. તે સિવાય કઠોળ, તેલીબિયાં, કપાસ તેમજ ફળફળાદિનાં ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. અનાજનો બફર સ્ટોક પણ વધીને ૬ કરોડ ટન સુધી પહોંચ્યો છે, પરંતુ આટલું પૂરતું નથી. ૨૦૨૦ સુધીમાં સમગ્ર દેશનો એકંદર વિકાસનો દર અત્યારના ૭.૫ ટકા ઉપરથી ૧૦ ટકા સુધી લઈ જવા માટે રાષ્ટ્રીય આવકના મહત્ત્વના ઘટક ખેતીનો વિકાસદર પણ સંતોષકારક રીતે વધવો જરૂરી છે. રાષ્ટ્રીય આવકમાં ૧ ટકાનો વધારો મેળવવા માટે કૃષિ વિકાસદરમાં ૨ ટકાનો વધારો થવો જરૂરી છે, તે જોતાં ૨૦૨૦ સુધીમાં કૃષિ વિકાસદરમાં ૫ ટકાનો વધુ વધારો એટલે કે કુલ ૧૦ ટકાનો વૃદ્ધિદર જરૂરી બનશે.
કૃષિઉત્પાદનમાં જ વધારો થાય એટલું પૂરતું નથી. સાથે સાથે કૃષિઉત્પાદકતામાં પણ વધારો થવો જોઈએ. ઉત્પાદકતા એટલે ઉત્પાદન વધારવાની ક્ષમતા, કૃષિઉત્પાકતાને બે દૃષ્ટિકોણથી જોવામાં આવે છે. ભૂમિઉત્પાદકતા અને શ્રમિકઉત્પાદકતા. ખેડવાણ જમીનના એક એકમમાંથી(સામાન્ય રીતે હેક્ટર અથવા એકર કેટલાક ગ્રામીણ પ્રદેશમાં ઉત્પાદકતાનાં એકમ તરીકે વીઘો લેવામાં આવે છે. ‘વીઘાદીઠ ઉતારો’ એવો શબ્દપ્રયોગ ઉત્પાદકતા માટે થાય છે). કેટલી ઊપજ પ્રાપ્ત થાય છે તેના પરથી ભૂમિઉત્પાદકતાનું માપ નીકળે છે, તેવી જ રીતે એક શ્રમિક એક મહિનો અથવા એક વર્ષ દરમિયાન કેટલી કિંમતનું ઉત્પાદન મેળવી શકે છે તેના ઉપરથી તેની શ્રમિકઉત્પાદકતા માપવામાં આવે છે. હેક્ટરદીઠ ઉત્પાદકતા વધારવા માટેના ઉપાયોમાં એક જ જમીનના ટુકડા ઉપર વર્ષમાં એકથી વધારે પાક લેવા, વધુ ઊપજ આપતાં બિયારણોનો ઉપયોગ, ખેતીમાં નવાં યંત્રો અને નવી ટેક્નોલોજીનો ઉપયોગ, સિંચાઈની સુવિધા, ઓછાં પાણીથી પણ વધુ ઊપજ આપે તેવા પાક લેવા, નવાં સંશોધનોનો ઉપયોગ વગેરે પ્રયાસો જરૂરી બને છે. આ માટે ખેતીક્ષેત્રમાં મૂડીરોકાણમાં જંગી વધારો કરવો પડશે. હવે ગાયઆધારિત ઓર્ગેનિક ખેતીના પ્રયોગોથી પણ હેક્ટરદીઠ ઉત્પાદનમાં ૩૦થી ૩૫ ટકાનો વધારો મેળવી શકાય છે. ચેકડેમના ઉપયોગથી એકરદીઠ દોઢ ગણો વધારો ઉતારો મળી શક્યો છે.
આમ, ખેતવિકાસ માટે અતિ અગત્યનું પાસું ખેતઉત્પાદન અને ખેતઉત્પાદકતા વધારવાનું છે. બીજા પાસાંનો વિચાર હવે પછી
.
.
Comments
Post a Comment