નાગ પાંચમની વાર્તા
એક રાજાને સાત પુત્ર હતા. બધાના લગ્ન થઈ ગયા હતા. બધાને બાળકો પણ થઈ ગયા હતા. સૌથી નાના પુત્રને કોઈ બાળક હજુ સુધી કોઈ બાળક નહોતું. તેની પત્નીને જેઠાણીઓ વાંઝણ કહીને બોલાવતી.
એક તો સંતાન ન હોવાનું દુ:ખ અને ઉપરથી મહેણાં તેને વધુ દુ:ખી કરવા માંડ્યા. જ્યારે તે દુ:ખી થઈને રડતી તો તેનો પતિ તેને સમજાવતો કે 'સંતાન થવા ન થવા એ તો ભાગ્યનો ખેલ છે તો પછી તુ કેમ દુ:ખી થાય છે ? તે કહેતી - "સાંભળતા નથી બધાં મને વાંઝણ કહીને બોલાવે છે. પતિ બોલ્યો - 'દુનિયા બકે છે તો બકવા દે. હું તો કશું નથી કહેતો ને ? તુ ફક્ત મારા તરફ ધ્યાન આપ. અને દુ:ખને છોડીને ખુશ રહે. પતિની વાત સાંભળી તેને થોડી વાર માટે સાંત્વના મળતી પણ ફરી કોઈને કોઈ મહેણાં મારતું અને તે રડવા બેસી જતી.
આ રીતે એક દિવસે નાગપાંચમ આવી ગઈ. ચોથની રાત્રે તેને એક રાતે સપનામાં પાંચ નાગ દેખાયા. તેમાંથી એક બોલ્યો - અરે દીકરી, કાલે નાગપાંચમ છે, જો તુ અમારી પૂજા કરીશ તો તને પુત્ર રત્નની પ્રાપ્તિ થશે. આ સાંભળી તે ઉઠીને બેસી ગઈ અને પતિને જગાવીને સપના વિશે વાત કરી. પતિએ કહ્યું - કે એમાં શું છે, પાંચ નાગ દેખાયા છે તો પાંચ નાગની આકૃતિ બનાવીને તેમની પૂજા કરી લેજે. નાગ ઠંડુ દૂધ જ પસંદ કરે છે તેથી તેમને કાચા દૂધથી જ પ્રસન્ન કરજે. બીજા દિવસે તેણે તે પ્રમાણે જ કર્યુ અને નાગની પૂજા કરવાથી તેને નવ મહિના પછી સુંદર પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ.
#BAZ_3717
Comments
Post a Comment