શિક્ષક રતિલાલ બોરીસાગરના વિદ્યાર્થીઓએ કરી છે અદભૂત રીતે ગુરુવંદનાઃ



શિક્ષક રતિલાલ બોરીસાગરના વિદ્યાર્થીઓએ કરી છે અદભૂત રીતે ગુરુવંદનાઃ
ગુરુદક્ષિણા કેવી રીતે અપાય તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છેઃ શ્રી વિદ્યાગુરુ પ્રતિષ્ઠાન

અમદાવાદઃ ગુજરાતી ભાષાના નીવડેલા અને હાસ્યલેખનને અત્યંત ગંભીરતાથી લેતા લેખક રતિલાલ બોરીસાગર ઉત્તમ શિક્ષક છે. તમને એક નહીં એવા અનેક વિદ્યાર્થીઓ મળે જે કહે કે આજે જીવનમાં અમે જે કંઈ છીએ તે માત્ર બોરીસાગર સાહેબને કારણે જ છીએ. તેમના પ્રેમ અને આદરને વ્યક્ત કરવા તેમના શિષ્યોએ ભેગા મળીને શ્રી વિદ્યાગુરુ પ્રતિષ્ઠાનની સ્થાપના કરી છે. પ્રતિષ્ઠાનની સ્થાપનામાં જેમનું પાયાનું પ્રદાન તેવા હરેશભાઈ મહેતા ખૂબ જ ગરીબ ઘરના. સાવરકુંડલામાં ભણતા હતા ત્યારે બોરીસાગર સાહેબ તેમના શિક્ષક. બોરીસાગર સાહેબે તેમને ગુજરાતી વિષય ભણાવતા. તેમણે ધૂમકેતુની એક વાર્તા એટલી સરસ રીતે ભણાવી કે હરેશભાઈને ખૂબ રસ પડ્યો. એ પછી તો વાચન તરફ વળ્યા. મુંબઈ ગયા અને ખૂબ કમાયા. તેમનું માનવું કે મારી સફળતાના પાયામાં છે પુસ્તકો. જો હું વાંચતો ના થયો હોત તો આટલો સફળ ના થાત. તેમનું દઢપણે માનવું હતું કે મને વાંચતો કર્યો બોરીસાગર સાહેબે એટલે મારે મારા આ ગુરુની વંદના માટે કશુંક કરવું જોઈએ.
રતિલાલ બોરીસાગર પાસે ભણેલા અન્ય એક વિદ્યાર્થીની વાત તો સાવ જ ન્યારી છે. એમનું નામ મગનભાઈ પાંડવ. સુરતમાં ડોકટર છે. તેઓ તો ભગવાનના મંદિરમાં બોરીસાગર સાહેબનો ફોટો રાખે છે. તેમને ભગવાન માનીને પૂજે છે. કોઈ ડોક્ટર આવું કરે તેની નવાઈ લાગે, પણ આખી વાત તમે જાણશો તો નવાઈ નહીં લાગે, સ્વાભાવિક લાગશે. મગનભાઈને મેડિકલ સાયન્સમાં જવું હતું. જે વર્ષે તેઓ પરીક્ષા આપતા હતા તે વર્ષે તેમને લાગ્યું કે હું ડ્રોપ લઈને વધુ મહેનત કરીને આવતા વર્ષે પરીક્ષા આપું તો મને પ્રવેશ મળે જ. એક વર્ષમાં સખત મહેનત કરીને તેમણે બીજા વર્ષે પરીક્ષા આપી તો ફસ્ટ રેન્ક આવ્યા. જોકે પ્રવેશ સમિતિએ કહ્યું કે તમે તક હોવા છતાં ગયા વર્ષે પરીક્ષા નહોતી આપી એટલે તેમને પ્રવેશ નહીં મળે. બોરીસાગર સાહેબે પોતાના આ પ્રિય વિદ્યાર્થીના પ્રવેશ માટે ખૂબ પ્રયાસો કર્યા. નાછુટકે હાઈકોર્ટમાં ગયા. કોર્ટે ચુકાદો આપ્યો કે મગનભાઈને તરત પ્રવેશ આપો. ચુકાદો આવ્યો ત્યાં સુધી 15 દિવસનું ભણવાનું ગયું હતું તો કોર્ટે કહ્યું કે ગયેલું છે એ પણ ભણાવો. આમ મગનભાઈ છેવટે ડોકટર બન્યા. બે-બે હોસ્પિટલો ચલાવે છે.
જાણીતા સંપાદક અને સાંસ્કૃતિક કર્મશીલ ભિખેશ ભટ્ટ પણ તેમના વિદ્યાર્થી. બોરીસાગર સાહેબ તેમના માટે પિતાતુલ્ય. જીવનના તમામ પડાવે બોરીસાગર સાહેબ ભિખેશ ભટ્ટની સતત જોડે. ભિખેશભાઈને વિવિધતા ગમે એટલે એક નોકરીમાં ખાસ ટકે નહીં. એ નોકરી છોડે અને ધબકારા બોરીસાગર સાહેબના વધે.
જે.બી. વોરા કલેકટર થયેલા. સંજોગોવસાત તેઓ ભણવાનું છોડતા હતા. બોરીસાગર સાહેબે તેમને અટકાવ્યા. પોતાના ઘરે રાખ્યા. અંગત રસ લઈને ભણાવ્યા, આગળ જતાં તે કલેકટર બન્યા. વોરા સાહેબ કહે છે કે જો બોરીસાગર સાહેબે મને ભણતો ના રાખ્યો હોત તો હું સુરતમાં હીરા ઘસતો હોત.
રતિલાલ બોરીસાગર સાહેબ નવા નવા શિક્ષક હતા ત્યારની વાત. શાળાના આચાર્ય કડક સ્વભાવના. પરીક્ષા વખતે તેમણે તમામ શિક્ષકોને કડક સૂચના આપી કે કોઈ પણ વિદ્યાર્થી ચોરી કરતો પકડાય તો તરત મારી પાસે જ લાવજો. બોરીસાગર સાહેબે એક ખંડમાં પરીક્ષક તરીકે ગયા. પ્રશ્નપત્રો અપાયાં. એક છોકરો ચોપડી લઈને જવાબો શોધવા લાગ્યો અને લખવા પણ લાગ્યો. બોરીસાગર સાહેબે તેને પૂછ્યું કે તમે જોઈ જોઈને કેમ લખો છો.. એ છોકરાએ ખૂબ જ સુંદર જવાબ આપ્યો. તેણે નિર્દોષભાવે કહ્યું કે જે જે સવાલો પૂછાયા છે તેના જવાબો આ ચોપડીમાં છે એટલે હું જોઈ જોઈને જવાબો લખું છું. બોરીસાગર સાહેબ તેના ભોળપણને વંદી રહ્યા. બોરીસાગર સાહેબે તેને ખૂબ જ પ્રેમથી સમજાવ્યો કે પરીક્ષામાં જે યાદ હોય, મોઢે આવડતું હોય તે લખવાનું હોય. છોકરાને વાત સમજાઈ અને તેણે ચોપડી મૂકીને જવાબો લખ્યા. જો બોરીસાગર સાહેબ એ વિદ્યાર્થીને આચાર્ય પાસે લઈ ગયા હોત તો કાયમ ચોરીની આદતવાળો એક વિદ્યાર્થી સમાજને મળત..
તો આ છે બોરીસાગર સાહેબ. તંતોતંત, આદર્શ અને પૂર્ણ શિક્ષક. 25 વર્ષની શિક્ષક તરીકેની યાત્રામાં તેમણે સેંકડો વિદ્યાર્થીઓનું જીવન ઘડતર કર્યું. ભણાવે વર્ગમાં પણ વિદ્યાર્થીઓને રાખે હૃદયમાં. તેમના દીકરા જેટલો જ હક્ક તેમના વિદ્યાર્થીઓ ભોગવે. વિદ્યાર્થીઓના જીવનની તેમને ખબર હોય. તેમને બધું કહી શકાય, પૂછી શકાય.
આવા બોરીસાગર સાહેબને ગુરુ દક્ષિણા આપવા શિષ્યો તલપાપડ હોય જ ને.
તેમના નામ સાથે 2011માં શરૃ કરાયું શ્રી રતિલાલ બોરીસાગર સાંસ્કૃતિક પ્રતિષ્ઠાન. તેના ઉપક્રમે 2004થી ઉત્તમ શિક્ષક અને ઉત્તમ સાહિત્યકારને એવોર્ડ આપવાનું શરૃ કરાયું. જાન્યુઆરીમાં દર વર્ષે સાવરકુંડલામાં બે-અઢી કે ત્રણ દિવસનાં સાહિત્યિક અને સાંસ્કૃતિક પર્વ યોજાય. જાણીતા કથાકાર મોરારી બાપુ પણ તેમાં અચૂક હાજર રહે. સરસ ચાલતું હોય ત્યાં વધુ સરસ થવાના સંજોગો પણ ઊભા થતા હોય છે. એવું જ થયું. ડો. માનસતા કહે કે સંસ્થાના નેજા હેઠળ નિશુલ્ક હોસ્પિટલ શરૃ કરીએ. લલ્લુભાઈ શેઠના નામ સાથે જોડાયેલી સંસ્થા અને મોરારી બાપુનો ટેકો મળ્યો અને સાવરકુંડલામાં શરૃ થયું આરોગ્યધામ. અહીં કોઈની પાસેથી એક પણ પૈસો લેવાતો નથી. દરરોજ 250-300 દરદીઓ આવે છે. બધા જ પ્રકારના ટેસ્ટ થાય છે. ડાયાલિસિસ થાય છે. અહીં જીમ છે, કુદરતી ઉપચાર કેન્દ્ર છે, આયુર્વેદ વિભાગ છે. આધુનિક સાધનો સાથેની આ હોસ્પિટલનો લાભ સાવરકુંડલા અને આજુબાજુનાં ગામોના લોકોને મળી રહ્યો છે. જાણીતાં કવયિત્રી પન્ના નાયકના નામ સાથે અહીં પ્રસુતિ વિભાગ છે. સાહિત્યકાર અને અમેરિકાના કેપિટલ વોશિગ્ટંન ડીસીને ભારે દેવામાં કાઢીને આર્થિક પરાક્રમ કરનારા નટવર ગાંધી મૂળ સાવરકુંડલાના છે. તેઓ પણ આ પ્રવૃતિમાં ખૂબ રસ લઈ રહ્યા છે.
એક આદર્શ શિક્ષક ઉત્તમ અને સમાજપરાયણ શિષ્યો પેદા કરીને કેવું સુંદર કામ કરી શકે અને પ્રતિબદ્ધ શિષ્યો
અનોખી રીતે ગુરુવંદના કરીને સમાજસેવાનું કેવું ઉદાહરણ સર્જી શકે તે શ્રી વિદ્યાગુરુ પ્રતિષ્ઠાનમાં જોવા મળે છે.

Comments