Skip to main content
New Information , New update , Latest Information , Today Update latest update History
સુરેશ દલાલ જીવન ઝરમર
દલાલ સુરેશ પુરુષોત્તમદાસ (૧૧-૧૦-૧૯૩૨ 10-08-2012 ) : કવિ, નિબંધકાર, બાળસાહિત્યકાર, સંપાદક. જન્મ થાણામાં. ૧૯૪૯ માં મેટ્રિક, ૧૯૫૩માં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૫૫માં એમ.એ. ૧૯૬૯માં પીએચ.ડી. ૧૯૫૬માં મુંબઈની કે.સી.સાયન્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ત્યારબાદ ૧૯૬૦થી ૧૯૬૪ સુધી એચ.આર.કૉલેજ ઑવ કૉમર્સમાં, ૧૯૬૪થી ૧૯૭૩ સુધી કે.જે.સોમૈયા કૉલેજમાં અને ૧૯૭૩થી અદ્યપર્યત એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યક્ષ. ‘કવિતા’ માસિકના સંપાદક. ૧૯૮૩નો રણજિતરામ સુવર્ણચંદ્રક.
‘એકાન્ત’ (૧૯૬૬), ‘તારીખનું ઘ’ (૧૯૭), ‘અસ્તિત્વ’ (૧૯૭૩), ‘નામ લખી દઉં’ (૧૯૭૫), ‘હસ્તાક્ષર’ (૧૯૭૭), ‘સિમ્ફની’ (૧૯૭૭), ‘રોમાંચ’ (૧૯૭૮), ‘સાતત્ય’ (૧૯૭૮), ‘પિરામિડ’ (૧૯૭૯), ‘રિયાઝ’ (૧૯૭૯), ‘વિસંગતિ’ (૧૯૮૦), ‘સ્કાઈસ્ક્રેપર’ (૧૯૮૦), ‘ઘરઝુરાપો’ (૧૯૮૦), ‘એક અનામી નદી’ (૧૯૮૨), ‘ઘટના’ (૧૯૮૪), ‘રાધા શોધે મોરપિચ્છ’ (૧૯૮૪), ‘કોઈ રસ્તાની ધારે ધારે’ (૧૯૮૫) અને ‘પવનના અશ્વ’ (૧૯૮૭) એમના કાવ્યસંગ્રહો છે. એમાંનાં કેટલાંક નોંધપાત્ર ગીતો એ એમનું મહત્વનું પ્રદાન છે. આ સંગ્રહોની રચનાઓને ‘કાવ્યસૃષ્ટિ’ (૧૯૮૬) નામક સંકલનગ્રંથમાં સમાવી લેવાનો પ્રયત્ન કર્યો છે. ‘ઈટ્ટાકિટ્ટા’ (૧૯૬૧), ‘ધીંગામસ્તી’ (૧૯૬૩), ‘અલકચલાણું’ (૧૯૬૪), ‘ટિગાટોળી’ (૧૯૯૭), ‘છાકમ છલ્લો’ (૧૯૭૭), ‘બિન્દાસ’ (૧૯૮૦) વગેરે એમના બાળકાવ્યોના સંગ્રહો છે. ‘પિનકુશન’ (૯૭૮) એમનો વાર્તાસંગ્રહ છે. એમણે કેટલીક બાળવાર્તાઓ પણ આપી છે. એમના નિબંધસંગ્રહોમાં ‘મારી બારીએથી’-ભા.-૨ (૧૯૭૫), ‘સમી સાંજના શમિયાણામાં’ (૧૯૮૧), ‘ભૂરા આકાશની આશા’ (૧૯૮૨), ‘મોજાને ચીંધવા સહેલાં નથી’ (૧૯૮૪), ‘અમને તડકો આપો’ (૧૯૮૭) વગેરે મુખ્ય છે.

વિવેચનમાં આ લેખક મુખ્યત્વે મુગ્ધ આસ્વાદક રહ્યા છે. ‘અપેક્ષા’ (૧૯૫૮), ‘પ્રક્રિયા’ (૧૯૮૧), ‘સમાગમ’ (૧૯૮૨), ‘ઈમ્પ્રેશન્સ’ (૧૯૮૪), ‘કવિપરિચય’ (૧૯૮૬) અને ‘કવિતાની બારીએથી’ (૧૯૮૭) એમના વિવેચનગ્રંથો છે.
સંપાદક તરીકેની એમની કામગીરી વિશિષ્ટ છે. કાન્ત વિષયક ‘ઉપહાર’ (૧૯૫૭), ઉમાશંકર વિષયક ‘કવિનો શબ્દ’(૧૯૫૮) સુન્દરમ્ વિષયક ‘તપોવન’ (૧૯૫૯), વેણીભાઈ પુરોહિત અને બાલમુકુન્દ દવે વિષયક ‘સહવાસ’ (૧૯૭૫), જયંત પાઠક વિષયક ‘વગડાનો શ્વાસ’ (૧૯૭૮), મકરંદ દવે વિષયક ‘અમલપિયાલી’ (૧૯૮૦) વગેરે એમના સંપાદનગ્રંથો છે.

એમના અનુવાદોમાં નેથેનિયલ હૉર્થોનની નવલકથાનું ભાષાંતર ‘ચાંદનીની લૂં’ (૧૯૬૭) ઉપરાંત ‘મરાઠી કવિતા’ (૧૯૭૭) અને ‘ત્રિરાત’ (૧૯૮૫) ધ્યાનપાત્ર છે. આ ઉપરાંત મુલાકાત-આધારિત તેમ જ બાળકિશોરસાહિત્યનાં અન્ય પ્રકીર્ણ પુસ્તકો પણ એમણે આપ્યાં છે.
Comments
Post a Comment