જાણી, ઇંસાનીયતની બોણી !!

🔔   જાણી, ઇંસાનીયતની બોણી  !!

એક દિ' ધોમધખતા તાપમાં મેં મોચીભાઈને ચપ્પલ જલ્દીથી રીપેર કરી આપવા કહ્યુ'તુ. તે મોચીભાઈ હજી પોતાના ધંધાની શરૂઆત જ કરતા હતા ને ભગવાનના ફોટાને બે હાથ જોડી પ્રભુનું સ્મરણ કરતા હતા. હથોડી અને સોઈદોરાને આંખે અડાડી લીધા, પછી બે ત્રણ કસ્ટમર ઉભા હોવા છતાં મારુ ચપ્પલ રીપેર કરવા પહેલા જ હાથમાં લીધુ !


ગરમીથી ત્રસ્ત આ મોચીદાદાની ઉમર લગભગ સાઈઠ-પાંસઠની ઉપર તો હશે જ! મારા ચપ્પલ સાંધતી વખતે એની સોઈ સાથેનો દોરો ખલાસ થઈ ગયો અને રેબઝેબ પરસેવે નિતરતા નિતરતા ઝડપથી પોતાના મેલાઘેલા સામાનમાંથી દોરો શોધીને ચપ્પલ સાંધ્યુ. આ બધું થતાં દસ મિનિટ થઈ ગઈ હશે ! ઓફીસ પહોંચતા મોડું થઈ ગયું હતું છતાંયે હું એકદમ ચૂપ રહ્યો, કારણ કે તેણે બનતી ઉતાવળનાં પ્રયત્નો પણ કર્યાં જ હતાં.

ચપ્પલ સમાર-કામ માટે મેં એમને રૂ. વીસની નોટ આપી. તેમણે મને પૂછ્યું, "છુટા છે ? ચપ્પલના દસ જ રૂપિયા થાય છે." મને મોડું થતું હતું એટલે મેં હળવેકથી કહ્યું; "કાકા, કાંઈ નહીં, રહેવા દ્યો." તો મોચીકાકાએ મને બે મિનિટ ઉભા રહેવાનું કહી, અતિ ઝડપથી બાજુમાં ખમણની લારી પરથી દસ રૂપિયા ખમણનું પડીકું બંધાવી પોતાના સામાન પાસે મૂકી મને બાકીના દસ રૂપિયા પાછા આપ્યા.

મેં કૂતુહલ વશ પૂછ્યું;  "વડીલ, મને દસ રૂપિયા પાછા આપવા માટે તમે ખમણનો ખર્ચ કેમ કર્યો?"

તો કહે; " આ ખમણ તો પેલો બંન્ને પગ વગરનો ભિક્ષુક - પૈડાવાળી રેંકડી પર બેસીને આવે છે ને તેને આપીશ - એની આંતરડી ઠરશે. અને મારે કારણે તમને મોડું થયું છે અને વળી દિવસની પહેલી બોણીમાં ઘરાક ખુશ થાય તો આખો દિવસ મને સારી કમાણી થાય ! "

કેટલી હ્રદયસ્પર્શી હતી એ ગરીબની અમીર વિચારધારા !! માત્ર ધનથી જ નહીં પરંતુ સદ્દ-આચરણ યુક્ત મનથી પણ ધનવાન બની શકાય તેવુ શીખવી ગયા એ મુઠ્ઠી ઉંચેરા માનવી !

ભાગ્યને શું દોષ આપવો, જ્યારે સપના આપણા છે તો કોશિશો પણ આપણી જ હોવી જોઇએ ને !?

Comments