યુપીમાં યોગીરાજ મદરેસાઓને માફક નથી આવતું?

દેશનો સ્વાતંત્ર્ય દિવસ ૧૫મી ઓગસ્ટ નજીક છે અને રાજકારણ ગરમાયું છે. યુ.પી.ની મદરેસાઓમાં મોકલાયેલા ૧૫મી ઓગસ્ટ ઊજવવાના સરકારી પરિપત્રથી. ૩ જુલાઈએ યુપીની મદરેસા શિક્ષા પરિષદ તરફથી રાજ્યની તમામ મદરેસાઓને એક પરિપત્ર પાઠવવામાં આવ્યો છે, જેમાં કહેવાયું છે કે રાજ્યની તમામ મદરેસાઓમાં સ્વતંત્રતા દિવસ હર્ષોલ્લાસ સાથે મનાવવો. ૧૫મી ઓગસ્ટે સવારે ૮ વાગે ધ્વજારોહણ કરી અને રાષ્ટ્રગાન ગાવું, ત્યારબાદ ૮-૧૦ કલાકે સ્વતંત્રતા સંગ્રામના શહીદોને શ્રદ્ધાંજલિ આપવી. આ પત્રમાં સલાહ પણ આપવામાં આવી છે કે સ્વતંત્રતા દિવસનાં મહત્ત્વ પર પ્રકાશ પાડવો અને મદરેસાના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રગીત ગવડાવવું તથા સ્વતંત્રતા સૈનિકોની શહાદત અંગે વિદ્યાર્થીઓને જાણકારી આપી રાષ્ટ્રીય એકતા આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવું.
આ પત્રમાં ખાસ સૂચના હેઠળ જણાવાયું છે કે મદરેસામાં યોજાનાર કાર્યક્રમનો વીડિયો અને ફોટોગ્રાફી કરાવવી. તેનું કારણ આપતાં કહેવાયું છે કે વીડિયો ને ફોટોગ્રાફી થવાથી આવનારાં વર્ષોમાં આવો કાર્યક્રમ કરી શકાય.
આ પત્ર લઈને યુ.પી. સહિત દેશભરમાં બબાલ મચી ગઈ છે. સમાચારભૂખી ટી.વી. ચેનલો આ પત્રને મદરેસાનાં અપમાન સુધી લઈ ગઈ છે અને વિપક્ષોએ તો કાગારોળ મચાવી દીધી છે કે યુ.પી.માં યોગી સરકારની આવી આપખુદી નહીં ચલાવી લેવાય. આ મદરેસાઓ પર જબરજસ્તી છે, વગેરે… વગેરે… જોકે આ ધમાલમાં મદરેસા પરિષદના રજિસ્ટ્રાર રાહુલ ગુપ્તાની વાત સાંભળવા કોઈ તૈયાર નથી. રાહુલ ગુપ્તાએ આ મુદ્દે ઊઠેલા વંટોળ માટે કહ્યું કે આ પ્રકારનો પત્ર મદરેસાઓને પહેલી વખત મોકલાયો નથી. દર વર્ષે સ્વતંત્રતા દિવસ કે ૨૬મી જાન્યુઆરીની ઉજવણી પહેલાં મોકલવામાં આવે છે. મદરેસા શિક્ષા પરિષદનો હું રજિસ્ટ્રાર છું, તો મારી જવાબદારી બને છે એટલે રાષ્ટ્રીય ઉત્સવો ઊજવવા માટે જરૂરી સૂચના સંસ્થાઓને મોકલવામાં આવે છે.

મદરેસા શિક્ષા પરિષદના રજિસ્ટ્રારની વાત પ્રમાણે આવા પત્રો યુ.પી.માં ભાજપની સરકાર નહોતી ત્યારે પણ મોકલવામાં આવ્યા છે તો હવે ઊહાપોહ કેમ? જેને વાંધો પાડવો છે, જેને સરકાર વિરુદ્ધ ઉશ્કેરણી કરવી છે તે લોકોએ આ પરિપત્રને એક રાજકીય હથિયાર બનાવી દીધું છે. વિપક્ષોનું કહેવું છે કે રાષ્ટ્રીય તહેવારની ઉજવણીની વાત તો ઠીક છે પરંતુ તેની વીડિયોગ્રાફી કરાવવાની જરૂર સરકારને શું પડી? સવાલ એ છે કે વીડિયોગ્રાફી થાય તો વિપક્ષને શું વાંધો છે. આ વીડિયોગ્રાફી સરકાર કરવા નથી આવવાની. સરકારે પરિપત્રમાં ખાસ લખ્યું છે કે તમે તમારી રીતે વીડિયોગ્રાફી કરજો અને તેની ઝ્રડ્ઢ તમારી પાસે જ રાખજો. આવનારાં વર્ષોની ઉજવણી માટે આ ઝ્રડ્ઢ કામમાં લાગશે. આટલા સ્પષ્ટ ઉલ્લેખ પછી પણ જો યોગી સરકાર પર માછલાં ધોઈને ”મદરેસામાં યોગી સરકારે જારી કર્યા આદેશ”નાં નામે મુસ્લિમોને ભડકાવવામાં આવતા હોય તો મુસ્લિમોએ સમજી લેવું જોઈએ કે અત્યાર સુધી જે પક્ષો લઘુમતી સમુદાયનો રાજકીય ઉપયોગ કરીને પોતાની ખીચડી પકવતા હતા તે જ પક્ષો હવે જ્યારે સત્તા જતી રહી છે ત્યારે ફરી પાછો જૂનો દાવ રમી રહ્યા છે. યુ.પી. વિધાનસભાની ચૂંટણીમાં કુલ ૪૦૩ બેઠકોમાંથી ભાજપે ૩૨૫ બેઠકો કબજે કરી છે ત્યારે હકીકતમાં યુપીની રાજગાદી પરથી પોતાની પકડ જતી રહેવાની છટપટાહટ વિપક્ષોને કનડે છે. હકીકતમાં વિપક્ષોને દુઃખે છે પેટ અને કૂટે છે માથું. માથું કૂટવા માટે પણ પોતાનું નહીં પરંતુ બીજાનાં માથાનો ઉપયોગ આ લોકોને કરવો છે.
યુ.પી.માં જ્યારથી યોગી સરકાર બેઠી છે ત્યારથી જ મીડિયામાં જાતજાતની વાતો વહેતી કરાઈ રહી છે. શાસનના બિનઅનુભવી યોગી આદિત્યનાથથી યુ.પી. જેવું ૨૨ કરોડની વસતીવાળું રાજ્ય સંભાળી નહીં શકાય. યોગીની સરકારને અધિકારીઓ જ ગબડાવી દેશે તેવી વાતો પણ વહેતી થઈ. મુખ્યમંત્રી તરીકે યોગી કોઈ ગરીબનાં ઘરે મળવા જાય તો મીડિયાએ ગરીબનાં ઘરમાં સોફા ગોઠવાયા અને મુખ્યમંત્રીની મુલાકાત બાદ સોફા લઈ જવાયા જેવી સ્ટોરીને મહત્ત્વ આપવા માંડયું.
પરંતુ આ તમામ બાબતોથી ઉપર ઊઠી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે યુ.પી.નાં શાસનમાં સુધારા પર ધ્યાન આપવા માંડયું. કોઈ પણ સરકારની ત્રણ પ્રાથમિકતા હોય છે, વીજળી, રસ્તા અને પાણી. કેબિનેટની બેઠકોમાં યોગી ફટાફટ નિર્ણયો લે છે. ગામડાંઓમાં વીજળી વધારે સમય મળે તેવા નિર્ણયો લેવાયા છે. ખેડૂતો પાસેથી ૪૮૭ રૂપિયા ક્વિન્ટલના ભાવે સરકારે બટાટાં ખરીદ્યાં છે. યોગી સરકારની રસ્તાના ખાડા પૂરવાની જાહેરાત યુ.પી.નાં લોકોને સૌથી વધારે સ્પર્શી ગઈ છે. રસ્તામાં ખાડો પડયો હોય તો કેટલા સમયમાં એ પુરાઈ જવો જોઈએ તેની સમયમર્યાદા યોગી સરકારે નક્કી કરી દીધી છે. મુખ્યમંત્રી લેવલે લેવાયેલો આ નિર્ણય લોકોને ગમી ગયો છે. યોગી આદિત્યનાથ ભાજપના મુખ્યમંત્રી છે અને જાતે હિંદુ સંન્યાસી છે ત્યારે તેમનો પોતાનો અને પક્ષનો એજન્ડા પણ તેમની પાસે હશે જ. ભાજપ જ્યારે રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની વાતો જોરશોરથી કરતો હોય તો તેમાં કોઈને વાંધો શું કામ હોવો જોઈએ તેવી યોગીસમર્થકોની દલીલ છે. આ દેશ એકલા હિંદુઓનો નથી મુસ્લિમો પણ દેશના સરખા જ નાગરિકો છે. દેશનાં સન્માનની વાત આવે છે ત્યારે હિંદુ હોય કે મુસ્લિમ બંનેએ દેશને સન્માન આપવું, રાષ્ટ્રીય પ્રતીકોને માન આપવું તે બધાની ફરજ બને છે.
તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાને ખાસ મુસ્લિમોને સંબોધીને કહ્યું હતું કે, જે લોકોને દેશનું રાષ્ટ્રગીત ગાવું ના હોય, અમારા દેશના રીતિ-રીવાજો પસંદ ના હોય તે લોકોએ અમારા દેશમાં રહેવાની જરૂર નથી. અમે બધા ધર્મો પ્રત્યે આદર રાખીએ છે પરંતુ તમારી નમાજ કોઈને ડિસ્ટર્બ ના થાય તે જોવું પડશે.
ભારત દેશમાં આઝાદીની લડાઈ હિંદુ-મુસ્લિમે ખભેખભા મિલાવીને લડી છે. ભારતનું રાષ્ટ્રગાન જન-ગણ-મન અધિનાયક જય હો… જો કોઈ ના ગાય… અથવા તો રાષ્ટ્રગાન વાગે ત્યારે ઊભા થઈ સન્માન ના આપે તે પછી કોઈ પણ હોય તે વખોડવાને પાત્ર છે. દેશનં અપમાન કોઈ ધર્મની આડમાં કરે તે ચલાવી ના લેવાય. સંસદનો એક કિસ્સો જાણીતો છે કે સંસદમાં રાષ્ટ્રગીત ગવાતું હતું ત્યારે બસપાના સાંસદ શર્ફીહુર રહેમાન બર્ક પોતાની જગ્યાએથી સંસદની બહાર ચાલવા માંડયા હતા. આ તબક્કે જો કોઈ બસપાના મુસ્લિમ સાંસદની ટીકા કરે તો તે દેશમાં અશાંતિનું વાતાવરણ ફેલાવતો નથી. તેને હક્ક છે. પોતાના દેશનું અપમાન રોકવાનો. અત્યારે તો દેશમાં એવો માહોલ થઈ ગયો છે કે દેશનું અપમાન કરનાર, દેશનાં સન્માનોનાં પ્રતીકને ઠોકરે ચડાવનારા અને દેશની સંસ્કૃતિને ઠેસ પહોંચાડનાર વિરુદ્ધ કોઈ બોલે તો કહેશે આ લોકો દેશનું સૌહાર્દપૂર્ણ વાતાવરણ-ભાઈચારાનું વાતાવરણ બગાડી રહ્યા છે. ઘરમાં દારૂ પીને સગો ભાઈ તે મોટો હોય કે નાનો હોય તેને અટકાવનાર એ ઘરની શાંતિનો ભંગ કરનાર ના કહેવાય.
આટલી સાદી સમજ પક્ષા-પક્ષીનાં રાજકારણમાં ભુલાઈ ગઈ છે અને સ્વાર્થમાં રાચતા રાજકારણીઓ પોતાનો સ્વાર્થ સાધવા કોઈ પણ મુદ્દાને રાજકીય હથિયાર બનાવી દે છે.

Comments