પાદરના પાળિયા બોલે..| પાળિયા ની વેદના

પાદરના પાળિયા બોલે...
પાળિયા ની વેદના
લાજુ રખવા લાખણી, દીધાં માથા દાન,
મર્દો કેરા માન, પૂજવા એના પાળિયા
************
પાદરના પાળિયા બોલે, હવે કોણ તેગ ને ઝીલે...(૨)

માથડા કાપ્યાં ગાયુંની વ્હારે ને રાખી જીવતરની લાજ,(૨)
પોકાર કરતાં પાળિયા પૂછે, (હવે) કોણ ઉગારે આજ?...પાદરના પાળિયા બોલે_(૧)

સીમ-શીયળ ના રખવાળા અમે કર્યા માથાને મૂલ,(૨)
પશ્ચિમ દેશના પાઠ ભણીને, (હવે) કોણ કરે આ મૂલ?...પાદરના પાળિયા બોલે_(૨)

મંગળ ફેરા મેલીને હાલ્યા લડવા મીંઢોળ બંધ,(૨)
ધર્મ ધીંગાણે કોણ ચઢે? (હવે) કોણ ખેલે આવા જંગ?...પાદરના પાળિયા બોલે_(૩)

દેવળ સોમનાથના રક્ષણ કરવા ચઢ્યો વીર હમીર,(૨)
કોણ હવે આવા શૂર નીપજાવે ને ક્યાંથી આવે ખમીર?...પાદરના પાળિયા બોલે_(૪)

રાજ શિવાજી ને રાણા પ્રતાપના નામ આજેય અમર,(૨)
હિંદના રાખણહાર બનીને, (હવે) કોણ કસે કમ્મર?...પાદરના પાળિયા બોલે_(૫)

માન મખવાણ ને મર્દ મોખડાની આવતી મુને યાદ,(૨)
યવનો માથે કાળ બનીને,(હવે) કોણ ગજાવે નાદ?...પાદરના પાળિયા બોલે_(૬)

રા'નવઘણ ને જામ હાલા તણા ગીતડાં આજ ગવાય,(૨)
ધર્મ-કર્મ તણા પાઠ ભૂલાણા, ( હવે) કેમ ધીંગાણે જવાય?...પાદરના પાળિયા બોલે_(૭)

અન્યાય ને અધર્મ સામે ઉઠતી તી' તલવાર,(૨)
ઈ જોમ ક્યાં જઈને સુઈ રહ્યું, (હવે) કોણ કરે પડકાર?...પાદરના પાળિયા બોલે_(૮)

ખાંભીયું થઈને ખૂંચી ગયા ને રંગ્યા સિન્દૂરે રંગ,(૨)
ઈ રંગ આછો નવ પડવા દેજો, કેશરિયો કસુંબ...પાદરના પાળિયા બોલે_(૯)

ડેલીએ ડાયરા બંધ થયાં ને સમી ગયા છે અવાજ,(૨)
સંસ્કૃતિ ને સાચવી લેજો, વિનવે છે "યોગરાજ"...પાદરના પાળિયા બોલે_(૧૦)

Comments