કૃષિવિકાસના પંચપ્રાણ-૪ : અનિશ્ચિતતાનું તત્ત્વ મહત્તમ


અર્થકારણના પ્રવાહોઃ -પ્રા. આર. સી. પોપટ

કૃષિવિકાસના પંચપ્રાણની શ્રેણીનો આજે ચોથો મણકો. આ મણકો છે કૃષિવિકાસમાં રહેલી અનિશ્ચિતતાઓનો.
ભારતમાં કોઈ પણ વ્યવસાયમાં અનિશ્ચિતતાનું તત્ત્વ મહત્તમ પ્રમાણમાં જોવા મળતું હોય તો તે કૃષિવ્યવસાયમાં છે. અનિશ્ચિતતાથી ઘેરાયેલી પરિસ્થિતિમાં કોઈ પણ વ્યવસાય ચિંતામુક્ત બનીને ચલાવવાનું અસંભવ જ બની જાય છે. આવતી કાલે કેવી પરિસ્થિતિ ઉપસ્થિત થશે તેનો કોઈ જ અંદાજ આજે જો ન મળી શકતો હોય તો વેપારી ધંધો કેવી રીતે કરે? જે વાત અન્ય વ્યવસાય માટે સાચી છે તે કૃષિવ્યવસાય માટે પણ એટલી જ સાચી છે. અન્ય વ્યવસાયોમાં જો અનિશ્ચિતતાનું વાતાવરણ સતત રીતે ચાલુ રહેતું હોય તો વેપારી કે ઉદ્યોગપતિ અન્ય વ્યવસાય તરફ વળી શકે છે, પરંતુ ખેતીમાં ખેડૂત પાસે એવો અવકાશ ભાગ્યે જ મળે છે. અલબત્ત, એકધારી પ્રતિકૂળ પરિસ્થિતિમાં કેટલાક ખેડૂતો ખેતી છોડીને શહેરમાં સ્થળાંતર કરીને બિનકૃષિ વયવસાયમાં જોડાતા જાય છે, પરંતુ તેનાથી ખેતી ક્ષેત્ર માટે એક બહુ મોટું જોખમ એ ઊભું થાય છે કે, શહેરોમાં ગીચતા વધતી જાય છે અને ગામડાં ખાલી થતાં જાય છે. ખેતી નધણિયાતી બનતી જાય છે અને અર્થતંત્રની કરોડરજ્જુ ઢીલી પડતી જાય છે. આનો સાચો ઉપાય ખેતી ક્ષેત્રમાંથી અનિશ્ચિતતાનું તત્ત્વ સત્વરે દૂર કરવું જોઈએ.
કૃષિ ક્ષેત્રને બે પ્રકારની અનિશ્ચિતતાનું ગ્રહણ લાગેલું છે. કુદરતસર્જિત અનિશ્ચિતતા અને બીજી બજારસર્જિત અનિશ્ચિતતા. ભારતીય ખેતી હજુ આજે પણ સંપૂર્ણપણે વરસાદ આધારિત છે. ચોમાસાના ત્રણ મહિના દરમિયાન સંતોષકારક વરસાદ પડે તો ખેતીમા મબલક પાક આવે છે, પરંતુ નબળાં ચોમાસામાં ખેતી ક્ષેત્ર સાવ માંદલું બની જાય છે. ખેતઉત્પાદન ટોચ ઉપરથી તળિયે પટકાઈ પડે છે. ક્યારે કેટલો વરસાદ પડશે તેની કોઈ જ નિશ્ચિતતા રહેતી નથી. આપણે ત્યાં કહેવત છે કે, આભનાં ગાભની કોઈને ખબર પડતી નથી. વળી, છેલ્લાં કેટલાંક વર્ષોથી અતિ ઉગ્ર તાપમાન અને પર્યાવરણપરિવર્તનને કારણે ઋતુચક્ર તદ્દન વેરવિખેર થઈ ગયું છે. હવામાન ખાતાની આગાહીઓ પણ ૪૦ ટકા કિસ્સાઓમાં સાચી પડતી નથી. તે સિવાય ભારતમાં વર્ષાઋતુનો છેલ્લા ૫૦ વર્ષનો અનુભવ કહે છે કે, ભારતમાં દર પાંચ વર્ષમાં બે વર્ષ સારું ચોમાસું, બે વર્ષ નબળું ચોમાસું અને એક વર્ષ દુકાળનું આવે છે. કયું વર્ષ સારું રહેશે અને કયા વર્ષમાં દુકાળ પડશે તેનું કોઈ આગોતરું અનુમાન થઈ શકતું નથી. તે ઉપરાંત સફળ વાવેતરની પાયાની શરત એ છે કે ખેતીના ઊભા પાકને સમયસરનો અને પ્રમાણસરનો વરસાદ મળવો જોઈએ. ઘણી વખત એવું બને છે કે, આખી સિઝનનો કુલ વરસાદ સારો પડયો હોય, પરંતુ સમયસરનો અને જોઈતો વરસાદ ન મળે તો પણ પાક નિષ્ફળ જાય છે. આ કુદરતી અનિશ્ચિતતાની ખેતવિકાસ ઉપર ગંભીર અસર પડે છે.
અનિશ્ચિતતાનાં આ પરિબળનો સામનો કઈ રીતે કરવો? કુદરતી અનિશ્ચિતતાને દૂર તો નહીં કરી શકાય, કારણ કે તે આપણા કાબૂમાં નથી, પરંતુ આ અનિશ્ચિતતામાંથી ખેતીને આપણા પુરુષાર્થથી અળગી તો અવશ્ય કરી શકાય તેમ છે. તેને માટે આટલા ઉપાયો અનિવાર્ય છે.
(૧) વરસાદનાં પાણીનો સંગ્રહ કરવા માટેનાં જળાશયોની સંખ્યા અત્યારે અપૂરતી છે. હજુ પણ મોટા, મધ્યમ કદના અને નાના ડેમનું બાંધકામ કરીને પાણીનો સંગ્રહ વધારીને વરસાદનાં વધારાનાં પાણીને દરિયામાં વહી જતું રોકવું જોઈએ. આ પાણીનો ઉપયોગ વરસાદ સિવાયની અને ઓછા વરસાદની ઋતુમાં ખેતીની સિંચાઈ માટે કરી શકાય. તેમ થતાં એકાદ બે વર્ષ વરસાદ ન પડે તો પણ ખેતીને પાણીની અછત રહે નહીં.
(૨) હજુ પણ ચેકડેમની સંખ્યા વધારવાની આવશ્યકતા છે. અત્યાર સુધીમાં દોઢ લાખ ચેકડેમ તૈયાર થઈ શક્યા છે, જરૂરિયાત પાંચ લાખ ડેમની છે. ૨૦૧૩ પછી નવા ચેકડેમ તૈયાર કરવાનું લગભગ સ્થગિત થઈ ગયું છે. ચેકડેમથી ખેતરોને સ્થાનિક સ્તરેથી સિંચાઈનું પાણી ભરપૂર મળે છે. ભૂગર્ભ જળનાં સ્તર ઊંચાં આવે છે અને ખેતીમાં એકને બદલે ત્રણ પાક લઈ શકાય છે. ઊપજમાં દોઢ-બે ગણો વધારો થાય છે.
(૩) ઓછાં પાણીથી પણ લઈ શકાય તેવા નવા પાકોનું સંશોધન હવે ખૂબ જરૂરી બન્યું છે. આ બાબતમાં ઈઝરાયલે જે ચમત્કાર કર્યો છે તે આપણે પણ કરી શકીએ.
બીજી અનિશ્ચિતતા બજારનાં પરિબળની છે. અત્યારની બજારવ્યવસ્થા પ્રમાણે ખેડૂતો પોતાની ઊપજ માર્કેટિંગ યાર્ડમાં ઠાલવે છે. ખૂબ સારો પાક થયો હોય ત્યારે યાર્ડમાં પુરવઠો મોટા પ્રમાણમાં વધી જવાને કારણે ખેતપેદાશોના ભાવ તળિયે બેસી જાય છે. ખેડૂતોને નફાને બદલે ખોટ સહન કરવી પડે છે. આને કારણે બીજે વર્ષે આવા પાકનું વાવેતર સાવ ઘટાડી નાખે છે. પરિણામે બજારમાં તે પાકના ભાવ ઊંચકાય છે, પરંતુ માલના અભાવે ખેડૂતોને તેનો લાભ મળતો નથી. આથી ખેડૂતો તે પછીના વર્ષે ફરીથી તેનું વાવેતર વધારી દે છે. આમ વાવેતર અને ભાવના પરસ્પર સંબંધનું ચકડોળ વર્ષોવર્ષ કરોળિયાનાં જાળાની માફક ચક્રાકારે ફરતું રહે છે. કૃષિઅર્થશાસ્ત્રીઓ આ ઘટનાને કરોળિયાનાં જાળાનો સિદ્ધાંત કહે છે. ખેડૂતોને ભાવસ્થિરતાની ખાતરી મળવી જોઈએ. આ માટેનું કેન્દ્ર સરકારનું કૃષિ ભાવ પંચ અમુક પેદાશોના ટેકાના ભાવની ભલામણ કરવાથી વિશેષ બીજું કંઈ કરતું નથી. ખેડૂતોને દર વર્ષે હેક્ટર દીઠ લાગેલા ખર્ચના આધાર ઉપર લઘુતમ ભાવોની ખાતરી મળે તેવી વ્યવસ્થા ગોઠવવાની ખાસ જરૂરી ખેતપેદાશો માટે એમઆરપી એટલે મેક્સિમમ રિટેલ પ્રાઇસ નહીં પણ મિનિમમ રિટેલ પ્રાઇઝ એવો અર્થ ગણવો જોઈએ, કારણ કે ખેતપેદાશોનું પુરવઠા આધારિત છે

Comments