થોડી નાની નાની વાતો પણ મજા આવશે.......

♂ પોતાને દીકરીની ચિંતા છે એવું સતત બતાવ્યે રાખીને છોકરીને સતત અપરાધભાવમાં જીવાડતાં બાપુજીઓ,
♂ ‘છોકરીની જાત’ની સલામતી માટે નાનપણથી દીકરીને દરેક પ્રકારના અમુક બંધનોમાં રાખીને એને ભરપુર છૂટ આપ્યાનું દ્રશ્યમ રચનારા ડેડીઓ,

♂ કરિયરથી લઇને સગાઇ-સાતરા સુધી હું બાપ જ મારી દીકરીનું ભલું વિચારી શકું અને તને તો શું ભાન પડે એ મતલબના બંધિયાર માહોલમાં છોકરીને દાયકાઓ સુધી ઉછેરીને એમના કોન્ફીડંસની ધજીયા ઉડાવનારા પપ્પાઓ,
♂ ઘરમાં મળતી સગવડતાઓથી લઇને વારસાઈ હક સુધી દીકરી સાથે ભેદભાવ રાખનારા અને છોકરી જુવાન થયે અણસમજુ રીતથી તેની સાથે એક ચોક્કસ મોટું અંતર રાખીને ચાલનારા પિતાજીઓ,
.

♂ મોકો મળ્યે પત્નીના ફોનનો કોલ લોગ-મેસેન્જર-વોટ્સએપ-ચેટ ઈ. ચેક કરવાનો એક પણ ચાન્સ ન છોડતાં સો કોલ્ડ મોર્ડન હબ્બીઓ,
♂ શૂ-રેકથી લઇને રસોડાની તપેલીની સાઈઝ સહીત ઘરની દરેક બાબતમાં ફક્ત પોતાની જ મરજી ચલાવતાં પતિદેવો,
♂ પત્નીના કોલેજ ટાઈમના કે નવા બનેલા મિત્રોને મળવામાં કે પોતાની મરજી મુજબ પોતાના ઘરે કે બહારગામ જવા માટે પ્રોત્સાહન તો દુરની વાત રહી પણ સંપૂર્ણપણે મનાઈહુકમ ફરમાવીને ભયનો માહોલ સર્જતાં પતિ પરમેશ્વરો,
♂ ‘ઘરવાળી’ સહેજ પણ બહાર જાય એટલે દર વીસ મિનીટે ફોન કરતાં અને જરૂર પડ્યે લોકેશન મંગાવતા કે શંકા પડ્યે સેલ્યુલર કંપનીમાં કામ કરતા પોતાના મિત્રની મદદ થકી પત્નીના ફોનનું ડીટેલ્ડ બીલ મંગાવીને ચકાસતા મોર્ડન ટેકનોસેવી હસબન્ડો,
♂ પત્ની ભોળી હોય તો ફેસબુકના ઈનબોક્સમાં અને જો પોષાતું હોય તો દર છ મહીને પ્રખ્યાત દક્ષીણ-પૂર્વ એશીયાઇ દેશોની ‘બીઝનેસ ટ્રીપ’ મારી આવતા મિસ્ટરો,
.

♂ દર વર્ષે રાખડી બાંધે છે એટલે બહેનનો સંપૂર્ણ ઠેકો પોતાનો માની બેઠેલાં નવરાધૂપ ભાઈઓ,
♂ સિસ્ટરથી પોતે મોટો હોય કે નાનો, અમુક વર્ષ પછી ભાઈ મટીને બાપ અને બાપ મટી જઈને માલિક બની જતા અને પોતાના લગ્ન થયે જેની સાથે મોટો થયો હોય એવી બહેનને રીતસરની પારકી મહિલા જેવી ટ્રીટમેન્ટ આપતા વિરલાઓ,
♂ બચ્ચન પોતાની સંપતિ અભિષેક-શ્વેતાને સરખા ભાગે વહેચશે- એ ટ્વીટ, રીટ્વીટ કરીને પોતાના બાપાના ઘરને ફક્ત પોતાનું સમજી બહેનને અળગી નજરથી જોનારાં બ્રોs,
.

♂ મમ્મીને તો શું ખબર પડે, હું કેટલો મોર્ડન—નો ફાંકો રાખનારા અનેક દીકરાઓ,
સમય ગયે મમ્મીનું દિલ ખુશ થઇ જાય એવું તો ઠીક પણ પોતાની મૂળભૂત ફરજો પણ પરાણે નિભાવનાર સુપુત્રો,
♂  જાહેરમાં પગે લાગીને અગર તો કોઈ સંસ્થામાં માતૃશ્રીના નામની સોનેરી તકતી મુકાવનારા અને ઘરમાં માતા સાથેઓલમોસ્ટ એક શો-પીસની જેમ વર્તનારા બેટાઓ,
♂ મધર્સ ડે અને બર્થડેના દિવસે ફેસબુક ઉપર ‘ગ્રેટેસ્ટ મોમ’ કેપ્શન વાળો ફોટો મુકવા સિવાય ભાગ્યે જ મોમને વર્ષના બીજા દિવસો દરમિયાન પોતાનું બધું ભૂલી જઈને સમય આપનારા આત્મજો,
.

♂ ગર્લફ્રેન્ડને તો કોરું પેટ્રોલ અને દર દસ હજાર કિલોમીટરે સારા માંહ્યલું ઓઈલ નાખીને હંકાતી ઓટોમેટીક સેડાન કારની દ્રષ્ટિથી જોતા શુરવીર બોયફ્રેન્ડો,
♂  આ માણસ સારો ને આ માણસ ખરાબ, આ પિક્ચર સારું ને આ બેકાર, આ રસ્તો સારો ને આ જોખમી, આ ટોપ સારું ને પેલું જીન્સ ખરાબ, આટલી બધી વાર કોલ વેઈટીંગમાં આવતો હતો એ ખરાબ ને રાતના ૩:૩૦ નું last seen ખરાબ.. જેવા ફતવાઓથી ગર્લફ્રેન્ડને સતત ડાબલાં પહેરાવ્યે રાખતાં અને ફક્ત ત્રણ માળ સુધી જતી બંધ લીફ્ટના એકાંતનો પણ ચાન્સ ન છોડતાં ફટ્ટુ યુવાન બોયફ્રેન્ડો,
♂ ગર્લફ્રેન્ડમાંથી ફિયાન્સી બને એટલે તરત એમની પાસેથી ઠરેલ, જવાબદારીભર્યું અને મેચ્યોર બિહેવિયરની અપેક્ષા રાખનારા મુરતિયાઓ,

વગેરે વગેરે પુરુષો

અને.....
.

♀ પોતે મોટી બહેન હોવાના કારણે નાની બહેનને કે ભાઈને કે સમય આવ્યે મમ્મીને પણ અનેકજાતના નખરાઓથી પોતાના દાબમાં રાખતી બહેનો,
♀ ઘરના દરેક સભ્યો પોતે વડીલ મહિલા છે એટલે અને ઘરની પૂરી બાગડોરી પોતાના હાથમાં છે તેના નશામાં દીકરો કે સિસ્ટર ઇન લો કે બીજા કોઈને અન્યાય કરતી પત્નીઓ,
♀ સ્ત્રીહઠ કે આંસુના હથિયારથી પોતાના તો ઠીક પણ સહેજ દુરના સગાના ઘરમાં પણ પોતાનું જ ધાર્યું કરાવતી વડીલ મહિલાઓ,
♀ પોતાનું ધ્યાન ન રાખીને, પોતાની કૂટેવો ન બદલીને, ‘હવે તો આગામી પેઢીની ફરજ છે મને સાચવવાની’- એવો ભાવ રાખીને જાણીજોઈને બાળકોને હેરાન થવા દેતી વૃદ્ધાઓ,
.

♀ ઈસરોના સેટેલાઈટ લોન્ચિંગથી લઇને અમીબા-પેરામીશીયમ સુધીની દરેક વાતમાં સ્ત્રીરક્ષા ને સ્ત્રીસમાનતાનો ઝંડો લઇને નીકળી પડતી કર્કશાઓ,
♀ પોતે ગુડ લુક્સ ધરાવે છે એ ભાન પડતાં કોલેજના પ્રેક્ટીકલ-વાઈવા માર્ક્સથી લઇને જોબમાં બોસ પાસેથી પ્રમોશન લેવા સુધીની દરેક બાબતમાં છીછરું પોલીટીક્સ ઘડીને મેરીટોક્રસી શબ્દનું શોષણ કરતી ઓવરસ્માર્ટ વર્કિંગ વુમન,
જરૂર પડ્યે ‘લેડીઝ ફર્સ્ટ’ ને જરૂર પડ્યે ‘હું બિચારી’નો સગવડીયો સ્વાર્થી સ્વાંગ રચીને ઘણી સીસ્ટમની અને ઘણા રિલેશન્સની પથારી ફેરવી નાખતી ગર્લ્સ,
♀ વાતે વાતે ફેમિનિઝમનો કકળાટ કરી મુકતી, મજબુત કારણ વિના પુરુષોને ભાંડયે રાખતી અને ગામની પંચાતો કરી કરીને કેટલાયના મગજ બગડી નાખતી લેડીઝ લોગ,
.

♀ એક સ્ત્રી હોવાં છતાં બીજી સ્ત્રી માટે સતત અદેખાઈ, ઈર્ષ્યા અને બીજા પાસે તેની વિરુદ્ધ કાનભંભેરણી કરતી રહેતી બહેનો,
♀ બોયફ્રેન્ડ થોડો પણ ઠંડો-નરમ હોય તો એને પોતાની મુઠ્ઠીમાં રાખીને કચડી નાખવાનો પ્રયત્ન કરતી ગર્લફ્રેન્ડો,
♀ પોતાને ખબર છે કે એકસીડન્ટમાં ભૂલ પોતાની છે પણ ભેગા થનાર માણસોમાંથી કોઈ પોતાને કહી શકવાનું નથી એની ભાન હોવાના કારણે, સોરી કહેવું તો દુર, બોડી લેંગવેજ પણ તદ્દન અન-અપોલોજેટીક રાખીને ગોગલ્સ કપાળ ઉપરથી નીચે ઉતારીને પોતાની કાર હંકારી લેતી લેડીઝ ડ્રાઈવરો, ... ઈ. જેવી પોતે સ્ત્રી છે માટે સતત ગેરફાયદો ઉઠાવતી રહેતી...

વગેરે વગેરે સ્ત્રીઓ,
.

ઉપર વર્ણવેલા પુરુષો અને આ સ્ત્રીઓ*, જ્યારે Happy Women’s Day વિશ કરતી પોસ્ટ મુકે ત્યારે લાગે છે કે આ કુદરતનો માણસો વડે માણસો સાથે ક્રૂર મજાક કરવાનો શોખ પૂરો થયો નથી.

.
(ઉપરોક્ત દરેક મુદ્દાની ઘટના કે એનું વર્ણન તો શું એમાં વપરાયેલો એક પણ શબ્દ કાલ્પનિક નથી. એક એક અક્ષર અંગત નિરીક્ષણનો નીચોડ છે, એ પણ મેટ્રો શહેરોના પોશ એરિયામાં રહેતી પબ્લિકની વાસ્તવિકતા રજુ કરે છે. Congratulations folks, we live in such world!)

Anyway, Happy Women’s Day!

-અભિમન્યુ મોદી

Comments