દૂધમાં સાકરની જેમ ભારતમાં ભળી ગયેલો સમુદાય પારસી - નવરોઝ મુબારક


માથા પર અર્ધગોળાકાર ટોપી. મહિલાઓના માથે મખમલનો સ્કાર્ફ, પુરુષો પાયજામો અને પરંપરાગત બંડી, તો મહિલાઓ પરંપરાગત સાડી. ચીપીચીપીને બોલતો ગુજરાતી ફિલ્મ-સિનેમા-નાટકોમાં પારસીનું આ જ ચિત્રણ થયેલું જોવા મળે છે, પરંતુ આ સમાજ છેલ્લી દસ સદીઓથી ભારતની પ્રગતિ અને વિકાસમાં યોગદાન આપી રહ્યો છે. ભારત તેમની જન્મભૂમિ ભલે ન હોય, પરંતુ આ સમાજે ભારતને તેની કર્મભૂમિ બનાવી છેલ્લાં ૧૦૦૦ વર્ષોથી તેની સેવા કરી રહ્યો છે. બિલકુલ અહીં વાત ઝોરાસ્ટ્રીયન્સ એટલે કે પારસી સમાજની થઈ રહી છે.
આજે જ્યારે વિશ્ર્વ સ્તરે શરણાર્થી સંકટ ઘેરાયું છે, ત્યારે પોતાનો ધર્મ અને સંસ્કૃતિ બચાવવા ખાતર ઈરાન છોડવા મજબૂર એવા આ રેફ્યુજી સમાજને શરણ આપવાનું બહુમાન ભારતને ફાળે જાય છે. પોતાની મહેનત અને ખંતથી આ સમાજ ભારતમાતાનો લાલ બની ગયો છે. તેઓ શરણાર્થી બની આવ્યા હતા, પરંતુ ભારતમાં ઉદ્યોગ, સૈન્ય, અર્થશાસ્ત્ર, ફાઇન આર્ટ્સથી માંડી ભારતની સ્વાતંત્ર્ય ચળવળમાં આ સમાજે અભૂતપૂર્વ યોગદાન આપી, પોતાની દેશભક્તિ સાબિત કરી છે. આજે પારસી સમાજે જે મુકામ હાસિલ કર્યું છે તે આત્મબળ હાસિલ કર્યું છે માટે જ આજે રસ્તા પર એક પણ પારસી યાચક ભટકતો જોવા નહીં મળે.

પારસીઓનો હિન્દુ ધર્મ સાથે સંબંધ

પારસી ધર્મ વિશ્ર્વના અત્યંત પ્રાચીન ધર્મોમાંનો એક છે, જેની સ્થાપના આર્યોની ઈરાની શાખાના સંત જરથુસ્ત્ર દ્વારા કરવામાં આવી હતી. કાલાંતરે તેમના અનુયાયીઓ પારસી કે ઝોરાસ્ટ્રીયન્સ તરીકે ઓળખાયા. પારસી ધર્મ એકેશ્ર્વરવાદી છે, તે તેમના ઈશ્ર્વરને ‘અહુરા મઝદા’ કહે છે. જરથુષ્ટ્ર ઋગ્વેદના અંગિરા બૃહસ્પતિ વગેરે ઋષિઓના સમકાલીન હોવાનો પણ એક મત છે. તેઓ ઈરાની આર્યોના ‘સ્થિતમાં’ કુટુંબના પોઉરસ્યના પુત્ર હતા. તેમની માતાનું નામ દોગ્ધો હતું. કહેવાય છે કે જરથુષ્ટ્ર જ્યારે ૩૦ વર્ષના હતા ત્યારે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું. તેમનું અવસાન ૭૭ વર્ષ ૧૧ દિવસની વયે થયું હતું. આ તમામ માહિતી મહાન દાર્શનિક નીત્સેએ પોતાના પુસ્તક ‘ધસ સ્પેક જરથુસ્ત્ર’માં આપેલી છે.
ઇતિહાસકારો મુજબ જરથુસ્ત્ર ૧૭૦૦-૧૫૦૦ ઈ.સ. પૂર્વેની વચ્ચે થયા હતા અને આ એ સમયગાળો હતો જ્યારે રાજા સુદાસનું આર્યાવર્તમાં શાસન હતું. અત્યંત પ્રાચીન યુગમાં પારસીઓ અને વૈદિક આર્યોની પ્રાર્થના ઉપાસના અને કર્મકાંડમાં પણ સામ્યતા જોવા મળે છે. આર્યોની માફક પારસીઓ પણ અગ્નિ, સૂર્ય, વાયુ વગેરે પ્રાકૃતિક તત્ત્વોની ઉપાસના અને અગ્નિહોત્ર કર્મ કરતા હતા. મિથ્ર (મિત્રાસૂર્ય) વયુ (વાયુ) હોમ (સોમ) અરમઈતિ (અમતિ) ઉધ્યમન (અર્થમન) નરાસંશ જેવા દેવતાઓની તેઓ ઉપાસના કરતા હતા. તેઓ મોટા મોટા યજ્ઞ કરતા હતા અને આર્યોની માફક સોમપાન પણ કરતા હતા. તેમની મૂળ ભાષા પણ આર્ય ભાષા વૈદિક અને લૌકિક સંસ્કૃત ભાષામાંથી નીકળી હોવાનું મનાય છે. તેમના ધાર્મિક ગ્રંથ અવેસ્તામાં ભારતીય પ્રદેશો અને નદીઓનાં નામ પણ જોવા મળે છે. હપ્તહિન્દુ (સપ્ત સિંધુ) હરહવતી (સરસ્વતી) હરયૂ (સરયૂ) અને મંન્દ્ર (મંત્ર). આ સિવાય પણ એવા અનેક શબ્દો છે જે આપણી સંસ્કૃત ભાષા સાથે સીધે-સીધી કે અડકતરી રીતે જોડાયેલા છે. આ તમામ બાબતો પરથી સ્પષ્ટ થાય છે કે વૈદિક આર્યો અને પારસી બન્ને આર્યોનાં જ સંતાનો છે.

પારસી પ્રજા અને ગુજરાત

સન ૭૧૬માં પારસી ભારતના પશ્ર્ચિમ કિનારા પર આવ્યા અને ગુજરાતના સંજાણ કે સિન્દાન પાસે ઊતર્યા. અરબ મુસ્લિમ જુલમથી બચવા, એમના પવિત્ર અગ્નિને જલતો રાખવા એમણે વતન છોડ્યું અને નવું વતન વસાવી લીધું. ત્યાર પછીનો સાડા બારસો વર્ષનો ઇતિહાસ અત્યંત રોમાંચક છે. એકાદ-બે નાના અપવાદો સિવાય હિંદુ-પારસી કોમી હુલ્લડો થયાં નથી. (મુસ્લિમ-પારસી હુલ્લડ થયાં છે !) અને દૂધમાં સાકરની જેમ એ ભળી ગયા ખરા,
દેશની સ્વાતંત્ર્ય લડત શરૂ થઈ ત્યારે સર્વપ્રથમ પારસી જ આગળ આવ્યા, કારણ કે અંગ્રેજી જાણનારાઓમાં એ પહેલા હતા, પ્રગતિશીલ પશ્ર્ચિમના વિચારોથી એ સૌથી પહેલા રંગાયેલા હતા. જગતભરમાં ફરેલા તો હતા જ ! એ ઈમાનદાર હતા અને શિક્ષિત હતા. આજે પણ પારસીઓમાં શિક્ષણ એકસો ટકા જેટલું છે ! સખાવતોમાં તો એ જાતિ સૂર્યની જેમ ઝળહળી ચૂકી છે. મોટા દિલના મોટા બાવાઓની કથાઓ હવે તો દંતકથાઓ બની ચૂકી છે. ગુજરાતી સંસ્કારજીવનનું ભાગ્યે જ કોઈ પાસું હશે, જેના પર પારસી અસર નહીં હોય.
પારસી જીવનમાં પ્રવેશ કરતાં પહેલાં એમના ધર્મને, એમના રિવાજોને અને ફિલસૂફીને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. એમનું વતન ફારસ અથવા ઈરાન, પયગમ્બર સાહેબનું પૂરું નામ સ્પીતમાન જરથ્રુષ્ટ્ર અથવા ઝોરોએસ્ટર, જે શબ્દ ગ્રીક ઉચ્ચાર છે. એક અર્થ એવો થાય છે કે ઝર્દ એટલે સોનેરી અથવા પીળું અને ઉષ્ટ્ર એટલે ઊંટ ! બીજો અર્થ એવો પણ છે એક એસ્ટર એટલે તારો - મતલબ કે સોનેરી તારક ! એ પયગમ્બર અથવા ઈશ્ર્વરી સંદેશ લાવનારા છે. એક કિંવદન્તી એવી છે કે જરથ્રુષ્ટ્ર આઠ હજાર વર્ષ પહેલાં થઈ ગયા. ઇતિહાસ એમ માને છે ઈસા પૂર્વે ૭૦૦ના સમયમાં (એટલે કે આજથી લગભગ ૨૭૦૦ વર્ષ પહેલા) એ બલ્ખમાં જન્મ્યા હતા અને ૭૭ વર્ષની વયે એક અગ્નિ મંદિરમાં પૂજા કરતી વખતે એમની હત્યા કરવામાં આવી હતી. પારસીઓ માટે જરથુષ્ટ્ર અથવા ઝોરોસ્ટ્રિયન શબ્દ પણ વપરાય છે.
આગળ જણાવ્યું તેમ ભારતીયોની જેમ ઈરાનના પારસીઓ આર્ય પ્રજા છે. એમની પ્રાચીન અવસ્તાની ભાષા અને સંસ્કૃત વચ્ચે ઘણું સામ્ય છે. પારસી ચારિત્ર્યની ત્રણ આધારશિલાઓ છે, હુમત (સદવિચાર), હુખત (સદવાક્ય) અને હુવરશ્ત (સદકાર્ય) ! પારસીઓના પ્રાચીન અવેશ્તા ધર્મગ્રંથમાં હિન્દુઓના વેદમાં વપરાયેલા કેટલાક શબ્દોની નિકટના શબ્દો મળે છે : ગાથા, મિથરા (મિત્રા), હોમા (સોમ), યસ્ન (યજ્ઞ), અહુરા (અસુર), ખેત્વાદત્થ (સ્વત્વ+દત્ત અથવા ત્યાગ), ઉષા (ઉષા) વગેરે !
પારસી જીવનની કેટલીક લાક્ષણિકતાઓ ધ્યાન ખેચેં એવી છે. ગુજરાતી જીવનના સંપર્કને લીધે દુલ્હા-દુલ્હનને કપાળ પર કુમકુમનો ચાંલ્લો કરીને ચોખા ચોંટાડવામાં આવે છે. મૃત્યુની વિધિમાં ઉઠમણું છે. શ્રીફળ અથવા નાળિયેર શુભ ગણાય છે. વરના પગ ધોવાની વિધિ છે. ઉંબરો ઓળંગવા માટે પહેલાં જમણો પગ ઉપાડાય છે. ચાંલ્લામાં પુરુષના કપાળ પર લાંબો ચાંલ્લો થાય છે, જે સૂર્ય માટે છે અને સ્ત્રીના કપાળ પર ગોળ થાય છે, જે ચંદ્રનું ચિન્હ છે.
હવે નવજોત શબ્દ ગુજરાતી સમજતો થઈ ગયો છે. સાતથી પંદર વર્ષના છોકરા કે છોકરી માટેનો એ નવો ધાર્મિક જન્મ છે. હિન્દુ ઉપનયન સંસ્કારની સફેદ સુદરેહ અથવા સદરો પહેરાવવામાં આવે છે, જે પવિત્રતા માટે છે. એમાં એક ગિરોબાન અથવા ખિસ્સું હોય છે, જે આસ્તા ભરવા માટે છે, એવું મનાય છે. કમર પર એક પવિત્ર કમરબંધ અથવા કુશ્તી (પ્રચલિત શબ્દ કસ્તી) બાંધવામાં આવે છે, જેને ચાર ગાંઠો હોય છે - બે આગળ અને બે પાછળ ! (જે દિવસમાં કરવાનાં ચાર કામો દર્શાવે છે.) સૈનિક તલવાર બાંધવા માટે જે કમરબંધ પહેરતો એના પરથી આ કુશ્તી આવે છે ! બાળકના કપાળ પર કુમકુમનું તિલક કર્યા બાદ, વિધિ સમાપ્ત થયા પછી, ધર્મગુરુઓ દુઆ-તંદુરસ્તી માટે પ્રાર્થના કરે છે ! હિન્દુઓના દ્વિજ સંસ્કાર (જનોઈ) જેવા આ સંસ્કાર છે. તફાવત એટલો કે છોકરીને પણ આ સંસ્કાર થાય છે.
પારસી અગ્નિપૂજક છે અને અગ્નિને આતશ કહે છે. એને માટે ‘આતશ-બેહરામ’ પ્રયોગ થાય છે. ઈરાનમાં ધર્મઝનૂની આરબો આવ્યા પછી પારસીઓનો પહેલો કાફલો દીવમાં આવ્યો હતો અને ત્યાં ૧૯ વર્ષ રહ્યો. એ પછી સંજાણમાં ઉતરાણ થયું. આ પવિત્ર અગ્નિનું નામ ઈરાનશાહ છે. બારોટ ટેકરીમાં બાર વર્ષ અને વાંસદામાં ચૌદ વર્ષ રહ્યા પછી આ પવિત્ર આતશ નવસારી આવ્યો અને ત્યાં ૩૧૮ વર્ષ રહ્યો ! બે વર્ષ વલસાડમાં રહ્યા બાદ અંતે એની સ્થાપના ઉદવાડામાં થઈ. આજે પણ ઉદવાડા પારસીઓનું યાત્રાસ્થળ છે.
અગ્નિ પવિત્ર છે માટે ધર્મનિષ્ઠ પારસી સિગારેટ પીતા નથી. મૃતદેહોનો અગ્નિસંસ્કાર થતો નથી. એનું પણ આ જ કારણ છે. પારસીઓ માત્ર અગ્નિને જ નહીં, જળ, પવન, વૃક્ષો વગેરેને પણ પ્રકૃતિના તત્ત્વો ગણે છે અને ઈશ્ર્વરના પ્રતીક તરીકે પૂજા કરે છે. અગ્નિમાં મૃતદેહ નાખવો એ પારસી માટે પાપ છે, એ ક્રિયા અપવિત્ર છે ! મૃતદેહને ટાવર ઑફ સાયલન્સ અથવા ડુંગરવાડી કે દોખ્મામાં અંતિમ વિધિ માટે મૂકવામાં આવે છે. આને માટે શબ્દ છે દોખ્મેનશીન નશીન એટલે બેસવું ! ક્યારેક ‘પાયદસ્ત કાઢવાની છે’ એવું પણ વાંચવા મળે છે - માટે પાય એટલે પગ અને દસ્ત એટલે હાથ. જ્યાં દોખ્માની વ્યવસ્થા નથી ત્યાં મૃતકને દફનાવવામાં આવે છે, જેને આરામગાહ કહેવાય છે.
દોખ્માની આખી વિધિ સમજવા જેવી છે. પારસી દૃષ્ટિએ એ અંતિમ દાનકર્મ છે. જેમાં મધ્યમાં એક કૂવો હોય છે અને ફરતી સપાટ પથ્થરો કે આરસની તકતીઓવાળી ત્રણ કતારો વર્તુળાકારમાં હોય છે. સૌથી નાની બાળકો માટે, મધ્યમ સ્ત્રીઓ માટે અને બહારની મોટી પુરુષો માટે, અર્થીના મૃતદેહને સુદરેહમાં લપેટીને ખાંધિયા અથવા ‘મસેસાલાર’ નામના ડાઘુઓ લઈ જાય છે અને દોખ્મામાં મૂકે છે. અહીં ગીધો મૃતદેહની અંત્યેષ્ટિ ક્રિયા સમાપ્ત કરે છે. અસ્થિ મધ્યના કૂવામાં સરી પડે છે, જ્યાં ચૂના અને ફોસ્ફરસ સાથે મળીને ખાક બની જાય છે. પછી વરસાદનું પાણી અંદરની ચાર ભૂગર્ભ નહેરોમાં આ બધું વહાવી જાય છે. ત્યાં ચાર ભૂગર્ભ કૂવા છે, જેના તળિયે રેતી પાથરેલી હોય છે. રસાયણિક દ્રવ્યો દ્વારા વરસાદનું પાણી પણ વખતોવખત વખત સાફ થતું રહે છે.
મૃત્યુ થયા બાદ ચાર દિવસ શોક પળાય છે અને શાકાહારી ભોજન કરવામાં આવે છે. ચોથો દિવસ ‘ચહારૂમ’ કહેવાય છે, ત્રીજા દિવસે ઉઠમણું હોય છે. ત્રણ દિવસ પૂજાપાઠ થાય છે. ચાર દિવસની ક્રિયાઓ પછી અંત્યેષ્ટિ ક્રિયા સમાપ્ત થાય છે.

 પારસીઓનું નવું વર્ષ નવરોઝ

આજથી લગભગ ૩૦૦૦ વર્ષ પહેલા શાહ જમશેદજીએ પારસી ધર્મમાં નવરોઝ મનાવવાની શ‚આત કરી હતી. ‘નવ’ એટલે નવો અને ‘રોઝ’ એટલે દિવસ. પારસી ધર્મમાં માનનારા લોકો માટે આ દિવસનું વિશેષ મહત્ત્વ છે. નવરોઝના દિવસે પારસી પરિવારોમાં બાળકોથી માંડી તમામ લોકો જલ્દી તૈયાર થઈ નવા વર્ષને વધાવવાની તૈયારીઓમાં લાગી જાય છે. આ દિવસે પારસી લોકો પોતાના ઘરના આંગણે રંગોળીની સજાવટ કરે છે. ચંદનથી ઘરને સુગંધિત કરવામાં આવે છે. આ બધું ફક્ત નવા વર્ષના સ્વાગત માટે નહીં, પરંતુ હવાને શુધ્ધ કરવાના હેતુથી પણ કરવામાં આવે છે.
આ દિવસે પારસી મંદિર અગિયારીમાં વિશેષ પ્રાર્થનાઓનું આયોજન કરવામાં આવે છે. આ પ્રાર્થનાઓમાં વિતેલા વર્ષની તમામ ઉપલબ્ધિઓ માટે ભગવાન પ્રતિ આભાર વ્યક્ત કરવામાં આવે છે. મંદિરમાં પ્રાર્થનાની વિધિ સમાપ્ત થયા બાદ સમુદાયના તમામ લોકો એકબીજાને નવા વર્ષના અભિનંદન પાઠવે છે.
નવરોઝના દિવસે ઘરમાં મહેમાનોનો આવવા-જવાનો અને અભિનંદન પાઠવવાનો દોર ચાલુ રહે છે. આ દિવસે પારસી ઘરોમાં સવારે નાસ્તામાં રવો નામની મીઠાઈ બનાવવામાં આવે છે. જેને સુજી, દૂધ અને ખાંડ મેળવીને તૈયાર કરવામાં આવે છે. નવરોઝના દિવસે પારસી પરિવારોમાં વિભિન્ન શાકાહારી અને માંસાહારી ભોજનની સાથે મગની દાળ અને ભાત અનિવાર્ય રીતે બનાવવામાં આવે છે. જુદા-જુદા સ્વાદિષ્ટ પકવાનો સાથે મગની દાળ અને ભાત એ સાદગીનું પ્રતિક છે, જેને પારસી સમુદાયના લોકો જીવનપર્યંત અપનાવે છે.
નવરોઝના દિવસે ઘરે આવનાર મહેમાનો ઉપર ગુલાબજળ છાંટી તેમનું સ્વાગત કરવામાં આવે છે. બાદમાં તેમને નવા વર્ષની શુભ શ‚આત માટે ફાલૂદો ખવડાવવામાં આવે છે. ફાલૂદો સેવઈઓથી તૈયાર કરેલી એક મીઠી વાનગી છે. જો કે પારસી સમુદાયના લોકોની જીવનશૈલીમાં આધુનિકતા અને પાશ્ર્ચાત્ય સંસ્કૃતિનો પ્રભાવ સ્પષ્ટ જોવા મળે છે. પરંતુ પારસી સમાજમાં આજે પણ તહેવારો એટલા જ પારંપરિક રીતે મનાવવામાં આવે છે, જેટલા વર્ષો પહેલા મનાવવામાં આવતા હતા.
આમ તો ભારતના દરેક તહેવારોમાં ઘર સજાવટને લઈને મંદિરોમાં પૂજા પાઠ કરવા તથા એકબીજાને અભિનંદન પાઠવવા સહિતની બાબતનો સમાવેશ થાય છે. જે વાત આ પારસી લોકોના નવા વર્ષને ખાસ બનાવે છે તે એ છે કે નવરોઝ સમાનતાનો ઉદેશ આપે છે. માનવતાની રીતે જોવામાં આવે તો નવરોઝની તમામ પરંપરાઓ મહિલાઓ અને પુરુષો સાથે મળીને નિભાવે છે. તહેવારની તૈયારીઓથી લઈને તહેવારનો આનંદ ઉઠાવવામાં બન્ને એકબીજાને પૂરક બની રહે છે.

ગુજરાતી સાહિત્યમાં પારસીઓનું યોગદાન

ગુજરાતી સાહિત્યમાં પણ પારસી સમુદાયનું નોંધપાત્ર યોગદાન રહ્યુ છે. પારસી લેખક ડોસાભાઈ ફરામજી કરાકા ‘ગ્રેટ બ્રિટન’ (ઇંગ્લેન્ડ) જઈ આવેલા. તેઓએ પારસી બોલીની છાંટવાળી ગુજરાતીમાં આપણું પ્રવાસ પુસ્તક લખ્યું હતું. ૧૮૬૧માં પ્રકાશિત આ પુસ્તકનું નામ હતું. "ગરેટ બરીટનની મુસાફરી ગુજરાતી ભાષાના પદ્ય વિકાસમાં પણ પારસીઓનું વિશિષ્ટ યોગદાન રહેલું છે. બહેરામજી મલબારી (૧૮૫૩-૧૯૧૨) અર્વાચીન પારસી કવિ ગણી શકાય તેઓએ દલપતરામને પગલે ચાલી ગુજરાતી કવિતા રચવાનો પ્રારંભ કર્યો, મધુર અને લોકભોગ્ય ગુજરાતી ભાષાનો ઉપયોગ કરી નોંધપાત્ર ગુજરાતી કવિતા રચનાર તેઓ પ્રથમ પારસી કવિ હતા. બહેરામજી મલબારી ગુજરાતી ભાષાના પ્રથમ કવિ હતા. જેમણે અંગ્રેજી ભાષામાં પણ કાવ્યો રહ્યા હોય.
અરદેશર ફરામજી ખબરદાર (૧૮૮૧-૧૯૫૩) તેઓ જાણીતા પારસી ગુજરાતી કવિ હતા. તેઓએ ઉપનામો રાખી અન્ય પ્રસિદ્ધ કવિઓના કાવ્યોના ઉત્તરરૂપે પ્રતિ કાવ્યો રચ્યા અને એ નામ પણ રમૂજ પમાડે એવા હતા. જેમ કે ન્હાનાલાલના પ્રતિકાવ્યો રચવા ખબરદારે પોતાનું ઉપનામ મોટાલાલ રાખ્યું હતું. આ સિવાય લખાભગત, હુન્નરસિંહ મહેતા, ક્ષેમાનંદ ભટ્ટ વગેરે ઉપનામોએ પણ તેઓએ કાવ્યો રચ્યા હતા. તેમના વિશે ઓછી જાણીતી વાત એ પણ છે કે, તેઓએ ૧૫૦ જેટલા અંગ્રેજી કાવ્યો પણ લખ્યા છે.

માનવતાનો મહાસાગર : તાતા સમૂહ


હાલ તાતા ગ્રુપ લગભગ ૨ લાખ ૪૬ હજાર લોકોને રોજગારી પૂરી પાડી રહ્યો છે. તાતા સમૂહમાં કુલ ૯૬ જેટલી કંપનીઓ ૭ અલગ અલગ વ્યાવસાયિક ક્ષેત્રોમાં સક્રિય છે. ભારતીય ઉદ્યોગજગતના પ્રમુખ સ્તંભ જેઆરડી તાતા બહુમુખી પ્રતિભાના ઘણી હતા. ભારતીય કંપની જગતમાં કોર્પોરેટ ગવર્નન્સ અને સામાજિક દાયિત્વની પરિકલ્પનાઓનો શ‚આત કરવાનું શ્રેય પણ જમસેદજી તાતાને જ જાય છે. તેઓએ કર્મચારીઓના કલ્યાણના ઉદ્દેશ્યથી એવી અનેક યોજનાઓ બનાવી, જેને ભારત સરકાર દ્વારા કાનૂની માન્યતા આપી સ્વીકારી લેવામાં આવી.
તાતા ગ્રુપમાં કામ કરતા પ્રત્યેક કર્મચારી ઘરેથી કામ માટે નીકળતાની સાથે જ ઓન ડ્યુટી માની લેવામાં આવે છે. જો કાર્યસ્થળ પર જતી વખતે તેને કોઈ દુર્ઘટના નડી જાય તો કંપની તેના માટે આર્થિક જવાબદારી પણ સ્વીકારે છે. ૧૮૭૭માં કર્મચારી પેન્શન યોજના, ૧૯૧૨માં દિવસના ૮ કલાક જ કામનો સમય, ૧૯૨૧થી માતૃત્વ સહાયની સુવિધા શ‚ કરવામાં આવી. તાતા સમૂહ દર વર્ષે સામાજિક કાર્યો પાછળ સરેરાશ ૨૦ કરોડ ખર્ચ કરે છે. તાતા સ્ટીલ ચેરિટેબલ ટ્રસ્ટ ગ્રામીણ વિકાસની યોજના અને જમશેદપુરના આંતરિયાળ વિસ્તારોમાં રહેતા વનવાસીઓ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે. આ ટ્રસ્ટ અહીં મહિલાઓ માટે સાક્ષરતા અને માઈક્રો ફાઈનાન્સના કાર્યક્રમો ચલાવે છે. વનવાસીઓની પરંપરાગત કળા અને સંગીત બચાવી રાખવા માટે પ્રોજેક્ટ પણ ચલાવે છે.
  • ૨૬/૧૧ના મુંબઈના તાજ હોટેલ પરના આતંકી હુમલા બાદ તાતા ગ્રુપે પોતાના કર્મચારીઓ પ્રત્યે જે માનવતા દાખવી હતી તે વિશ્ર્વભરમાં અજોડ છે. હુમલા વખતે હોટેલના જેટલા પણ કર્મચારીઓ હતા, પછી ભલે તેમને કામ પર આવ્યાને એક દિવસ જ થયો હોય, તમામને આ ગ્રુપ ઓન ડ્યુટી માની તે જ સ્કેલ અનુસાર વેતન આપ્યું હતું. હોટેલના જેટલા કર્મચારી માર્યા ગયા કે ઘાયલ થયા તે તમામનો સંપૂર્ણ ઇલાજ તાતાએ  ઉઠાવ્યો હતો.
  • હોટેલની આજુબાજુ પાંઉ-ભાજી, શાકભાજી વગેરેના નાના નાના દુકાનદારો જે સુરક્ષા દળો કે આતંકવાદીઓની ગોળીઓનો ભોગ બન્યા, ઘાયલ થયા હતા કે તેમની દુકાનો નષ્ટ થઈ ગઈ હતી, તે તમામને ૬૦,૦૦૦ ‚પિયા તાતા તરફથી આપવામાં આવ્યા હતા. આવા જ એક દુકાનદારની નાની બાળકીને ચાર ગોળીઓ વાગી હતી, તેમાંથી એક ગોળી સરકારી હૉસ્પિટલમાં કાઢી નાખવામાં આવી હતી. જ્યારે બાકીની ગોળીઓ ન કાઢી શકવાની સ્થિતિમાં તાતા ગ્રુપે હૉસ્પિટલમાં તજ્જ્ઞ ડૉક્ટર્સ દ્વારા ઓપરેશન કરાવી બાકીની ત્રણ ગોળીઓ પણ કાઢી નખાઈ હતી, જેનો કુલ ખર્ચ ૪ લાખ થયો હતો.
  • હુમલા દરમિયાન જેટલા દિવસ હોટેલ બંધ રહી ત્યાં સુધી તમામ કર્મચારીઓને વેતન મની ઓર્ડરથી ઘેર બેઠાં પહોંચાડવામાં આવ્યું હતું. એટલું જ નહીં તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સ તરફથી એક મનોચિકિત્સકે તમામ ઘાયલ પરિવારો સાથે સતત સંપર્ક રાખ્યો હતો અને તેમનું મનોબળ વધાર્યું હતું. પ્રત્યેક ઘાયલ કર્મચારીની દેખરેખ માટે તમામને એક-એક ઉચ્ચ અધિકારીનો ફોન નંબર આપવામાં આવ્યો હતો, જે ૨૪ કલાક ઘાયલ કર્મચારીની મદદ માટે તૈયાર રહેતો હતો.
  • ૮૦થી વધુ ગંભીર ‚પથી ઘાયલ કર્મચારીઓ પાસે ખુદ રતન તાતાએ પોતાની ઉપસ્થિતિ નોંધાવી હતી. આ જોઈ પરિવારવાળા પર આશ્ર્ચર્યમાં પડી ગયા હતા.
  • ઘાયલ કર્મચારીઓના તમામ સગાસંબંધીઓને બહારથી લાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને તમામને હોટેલ પ્રેસિડન્ટમાં રાખવામાં આવ્યા હતા. જ્યાં સુધી તેમનો સંબંધી ખતરામાંથી બહાર ન આવી જાય.
  • હુમલાના માત્ર ૨૦ દિવસમાં જ તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી તમામ ઘાયલો માટે ટ્રસ્ટ બનાવી દીધું હતું, જે આજે પણ પીડિતોની સંભાળી રાખી રહ્યું છે.
  • સૌથી મહત્ત્વની વાત એ હતી કે તાતા ગ્રુપે તેની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ ન હતો એવા રેલવે કર્મચારીઓ, પોલીસ સ્ટાફ તથા અન્ય ઘાયલોને પણ ૬ મહિના સુધી ૧૦,૦૦૦ ‚પિયાની સહાયતા આપી હતી.
  • હુમલામાં માર્યા ગયેલા તમામ ૪૬ કર્મચારીઓનાં બાળકોના આજીવન શિક્ષણની જવાબદારી તાતાએ ઉપાડી લીધી હતી.
  • મૃત કર્મચારીના તેના હોદ્દા મુજબ નોકરી-કાળના અનુમાન મુજબ ૩૬થી ૮૫ લાખ સુધીની સહાય તત્કાળ આપવામાં આવી હતી. એમાં પણ જેઓને આ સહાય એકસાથે નહોતી જોઈતી તે પરિવારોને આજીવન પેન્શન આપવાની શ‚આત કરી દેવામાં આવી હતી. આ જ પ્રકારે મૃતકના સમગ્ર પરિવારનો મેડિકલ વીમા અને ખર્ચ તાતા તરફથી આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
  • જો મૃતકે તાતા પાસેથી જેટલી લોન લીધી હોય તે તમામ માફ કરી દેવામાં આવી હતી.


ઇરાકમાં ૧૦,૦૦૦થી વધુ મુસ્લિમ યુવાનોએ પારસી ધર્મ અપનાવી લીધો


એક તરફ વિશ્ર્વભરમાં પારસીઓની જનસંખ્યા માંડ ૨ લાખથી ઉપર બચી છે. ભારતમાં સૌથી વધુ ૬૯ હજાર પારસીઓ બચ્યા છે, એમાં પણ હાલના પારસી વેલફેર સ્ટેટના આંકડા મુજબ ભારતમાં પારસીઓની સંખ્યા ૬૦ હજાર જ બચી છે. ત્યારે આશ્ર્ચર્યજનક રીતે ઇરાકમાં પારસીઓની જનસંખ્યા વધી રહી છે. તેનું મુખ્ય કારણ ઇસ્લામિક સ્ટેટ (આઇએસ) છે. ઇરાકના કુર્દિસ્તાન પ્રાંતના સીમાંત ક્ષેત્રોમાં આઇએસના હિંસાચારથી સ્થાનિકોમાં પારસી ધર્મ પ્રત્યે આકર્ષણ વધી રહ્યું છે. અહીંના લોકો, ખાસ કરીને કુર્દ લોકો માની રહ્યા છે કે, પારસી ધર્મ મૂળ ‚પથી તેમના સમુદાયથી સંબંધિત છે તેથી તેઓ પોતાના મૂળ ધર્મ પ્રત્યે આકર્ષિત થઈ રહ્યા છે. આ ગત વર્ષે ઑગસ્ટમાં અહીંની ક્ષેત્રીય સરકારે પારસી મતને સ્વતંત્ર ધર્મની માન્યતા પણ આપી દીધી છે અને સ્થાનિક માધ્યમોના અહેવાલોનું માનીએ તો ગત વર્ષે અહીં ૧૦,૦૦૦થી વધુ યુવાનોએ પારસી ધર્મ અપનાવી લીધો છે. આવા જ એક પારસી બનેલા યુવાન શ્વાન રહેમાન જણાવે છે કે, પારસી ધર્મની શાંતિપ્રિયતા અને આધુનિકવાદી વિચારોએ મને પારસી ધર્મ પ્રત્યે આકર્ષિત કર્યો પરિણામે મેં પારસી બનવાનું નક્કી કર્યું છે. ૩૦ વર્ષનો રહેમાન કિશોરવય સુધી એક ધાર્મિક મુસલમાન હતો. અહીંના અવાલ બકારાઝો મસ્જિદનાં ઇમામ મુલ્લા અબ્બાસ ખિદિર ફરાજ પણ આ વાતનું સમર્થન કરે છે. તે કહે છે કે આઇએસની હિંસાત્મક પ્રવૃત્તિઓને કારણે ઉદારવાદી યુવામાં ઇસ્લામની નકારાત્મક છબી બની છે, પરિણામે તેઓ પારસી ધર્મ પ્રત્યે આકર્ષાઈ રહ્યા છે.




Comments