ગુજરાતી ફિલ્મોમાં અરુણા ઈરાની અને રાગિણીનું ફ્લોપ કમબેક
ગુજરાતી ફિલ્મોના સુવર્ણકાળની સાક્ષી સમાન બે અભિનેત્રીઓ અરુણા ઈરાની અને રાગિણી શાહે અનુક્રમે ‘કંઈક કરને યાર’ અને ‘હાર્દિક અભિનંદન’ ફિલ્મથી કમબેક કર્યું, પણ વાત કંઈ જામી નહીં

‘સંતુ રંગીલી’, ‘મંગળફેરા’, ‘કંચન અને ગંગા’, ‘ફૂટપાથની રાણી’, ‘વીફરેલી વાઘણ’, ‘સોરઠની પદમણી’, ‘મા વિના સૂનો સંસાર’, ‘છેલછબીલી સોનલ’ તમને થશે કે આ બધી ફિલ્મોનાં નામ અહીં કેમ આપ્યાં છે? તો એનો જવાબ એ છે કે ગુજરાતી ફિલ્મોના સુવર્ણકાળમાં આવેલી આ ફિલ્મો છે અને આ તમામ ફિલ્મોની અભિનેત્રી અરુણા ઈરાની છે. આજની પેઢી કદાચ ગુજરાતી ફિલ્મોમાં અરુણા ઈરાનીના કામથી વાકેફ ન હોય તે શક્ય છે અને એટલે જ ગુજરાતી ફિલ્મોમાં તેમની સુદીર્ઘ કારકિર્દી વખતે કરેલી સેંકડો ફિલ્મોમાંથી કેટલીક ફિલ્મોનાં નામ અહીં આપ્યાં છે.
આમ તો તે જમાનામાં એટલે કે 70 અને 80ના દાયકામાં તેમણે ઉપેન્દ્ર ત્રિવેદી સહિત ગુજરાતીમાં ચાલતા લગભગ તમામ હીરો સાથે અવિસ્મરણીય કામ કર્યું છે, પણ ખાસ કરીને કિરણકુમાર સાથેની તેમની જોડી ખૂબ જ વખણાઈ હતી.
હવે વાત કરીએ રાગિણીની તો ‘ડાકુરાણી ગંગા’, ‘કંકુ પગલાં’, ‘કાશીનો દીકરો’, ‘ચોરીના ફેરા ચાર’, ‘ગરવો ગરાસિયો’, ‘અમરસિંહ રાઠોડ’, ‘સાત કૈદી’ અને ‘પારકી થાપણ’ જેવી અનેક યાદગાર ફિલ્મોમાં તેમણે અભિનય કર્યો છે. માત્ર આટલી જ ફિલ્મોમાં તેમણે કામ કર્યું છે તેવું નથી. અરુણા ઈરાનીની જેમ જ તેમની પણ ગુજરાતી ફિલ્મોની યાદી ખૂબ લાંબી છે. બન્નેની ફિલ્મનો નામોલ્લેખ પણ કરીએ તો લેખના શબ્દોની મર્યાદા તેમાં જ પૂરી થઈ જાય.
રાગિણીએ પણ તત્કાલીન સમયમાં ગુજરાતી ફિલ્મોના લગભગ તમામ લીડિંગ હીરો સાથે સુપરહિટ ફિલ્મો આપી છે. બીજી ખાસ વાત કે આજે જેને અર્બન ફિલ્મો કહીએ છીએ તે પ્રકારની ફિલ્મો તે સમયે આ બંને એક્ટ્રેસે સારી એવી સંખ્યામાં કરી હતી. ટૂંકમાં કહીએ તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ઇતિહાસ લખાય તો આ બંને એક્ટ્રેસ પર એક-એક ચેપ્ટર ફાળવવું જ પડે તેવી વાત છે.
હવે વાત કરીએ અત્યારની તો, 11 નવેમ્બર, 2016ના શુક્રવારના રોજ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક ઐતિહાસિક ઘટના ઘટી. ગુજરાતી ફિલ્મોના સુવર્ણકાળની સાક્ષી સમાન આ બે દિગ્ગજ ગુજરાતી અભિનેત્રીઓ અરુણા ઈરાની અને રાગિણીએ એક જ દિવસે ગુજરાતી ફિલ્મોમાં કમબેક કર્યું, અરુણા ઈરાનીએ ‘કંઈક કરને યાર’ અને રાગિણીએ ‘હાર્દિક અભિનંદન’ ફિલ્મોથી ફરી એકવાર ગુજરાતી ફિલ્મોમાં ઝંપલાવ્યું, પણ કમનસીબે આ બંને ફિલ્મો ટિકિટબારી પર ફ્લોપ રહેવા પામી.
આમ તો ફિલ્મના નિર્માતા પાસે એવું બહાનું છે જ કે ભારતમાં રાતોરાત 500-1000 રૂપિયાની નોટ પર લદાયેલી પાબંદીને લીધે ફિલ્મો પર અસર પડી અને લોકો ટિકિટબારીની લાઇનમાં ઊભા રહેવાને બદલે બેંકની લાઇનમાં ઊભા રહ્યા! આ બંને ફિલ્મો નબળી છે કે પ્રેક્ષકોને ન ગમી કે પછી વડાપ્રધાનના નિર્ણયની અસર પડી, આમાંથી જે કારણ હોય તે પણ આ ફિલ્મો ન ચાલી એ હકીકત છે, જેના પરિણામે બીજા કેટલાય નિર્માતાઓએ તેમની ફિલ્મની રિલીઝ હાલ પૂરતી ટાળી દીધી છે.
સવાલ એ છે કે આ બંને અભિનેત્રીઓએ તેમની પ્રતિભાને અનુરૂપ ફિલ્મોની, તેમના પાત્રની પસંદગી કરી હતી ખરી? તો તેનો જવાબ છે કે બંને ફિલ્મોની વાર્તા સામાન્ય હતી, પણ અરુણા ઈરાની અને રાગિણીનાં પાત્રો પ્રમાણમાં સારાં હતાં. ‘કંઈક કરને યાર’માં અરુણા ઈરાનીને એક કડક મા (પાછળથી ખબર પડે છે કે તે દીકરી તેમની નહોતી) દર્શાવવામાં આવ્યાં છે, જે તેમની દીકરીના પ્રેમી સામે શરત મૂકે છે કે તે એક મહિનામાં એક કરોડ કમાઈ લાવે તો જ તેની દીકરીને તેની સાથે પરણાવશે. તેમની દીકરી ભાગી જાય છે અને તેની શોધમાં તેઓ શહેરમાં આવે છે તો ત્યાં તેમને યુવાનીના પ્રેમી ટીકુ તલસાણિયાનો ભેટો થાય છે અને ભૂતકાળ જીવંત થઈ ઊઠે છે.
ટીકુ તલસાણિયા અને અરુણા ઈરાનીનો ફ્લેશબેક આવે છે તેમાં બંને એટલાં ખરાબ લાગે છે કે વાત ન પૂછો. તેમાંય પાછાં બંને પ્રેમગીત ગાય છે બોલો! અરુણાજીની ઉંમર 70 આસપાસની અને ટીકુભાઈને બે-પાંચ ઓછાવત્તા હશે અને બંને 70ના દાયકાના કોસ્ચ્યુમ પહેરી લે એટલે કંઈ 25નાં ન થઈ જાય! આપણને થાય કે આ બંને કલાકારોએ પણ દિગ્દર્શકને કંઈ કહ્યું નહીં હોય કે ભાઈ આવું ન કરાય અને જો કરવું જ હોય તો પ્રોસ્થેટિક મેકઅપની મદદ લેવી જોઈએ. હા, એમની ઉંમર મુજબના રોલમાં એટલે કે છોકરા-છોકરીનાં મા-બાપ તરીકે યોગ્ય લાગે છે.
તો ‘હાર્દિક અભિનંદન’માં રાગિણી શાહને અમદાવાદમાં તેમની દીકરી (આમાં પણ છેલ્લે ખબર પડે છે કે એ તેમની દીકરી નથી) સાથે રહેતા એક અત્યંત કડક મકાનમાલિક દર્શાવાયા છે, જેમને ત્યાં પોરબંદર, ભુજ અને ડીસાથી પેઈંગ ગેસ્ટ તરીકે રહેવા આવનાર ત્રણ કૉલેજિયન છોકરાઓને છેલ્લે તેઓ સુધારીને રહે છે તેવી વાત છે. રોલ સારો છે. તેઓ અભિનય દ્વારા કડકાઈ ઊભી કરવામાં પણ સફળ થયાં છે.
અરુણાજી જેવી ગીતમાં નાચવા-ગાવાની ભૂલ તેમણે નથી કરી, (માઈન્ડવેલ, ફિલ્મોમાં નાચવું-ગાવું ખોટું નથી, પણ તે તમારા પાત્રને અનુરૂપ હોવું જોઈએ.) ફિલ્મ પોણા ત્રણ કલાક જેટલી લાંબી છે. હુક્કા પીવાના સીનના રિપીટેશનને કારણે કંટાળી જવાય છે. પરિણામ બંને ફિલ્મો ફ્લોપ. બંને દિગ્ગજ અભિનેત્રીઓનું કમબેક પણ ફ્લોપ. આશા રાખીએ કે ભવિષ્યમાં અરુણાજી અને રાગિણીજી, બંનેના મંજાયેલા અભિનયની ધાર જોવા મળે તેવાં પાત્રો તેઓ સ્વીકારે અને દર્શકોને ફરી સુવર્ણયુગની ઝાંખી થાય.
Comments
Post a Comment