Via This Blog My Aim is to reach all the People and Provide Best Information about the Current Topic and Also History about our Ancient India.
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
સુરેશ જોષી એક પરિચય
સુરેશ જોષી એક પરિચય
જોશી સુરેશ હરિપ્રસાદ (૩૦-૫-૧૯૨૧, ૬-૯-૧૯૮૬) : કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર, વિવેચક, સંપાદક, અનુવાદક. જન્મ બારડોલી તાલુકાના વાલોડ ગામે. બાળપણ સોનગઢમાં. ૧૯૪૩માં મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી બી.એ. ૧૯૪૫માં એમ.એ. પ્રારંભમાં કરાંચીની ડી. જે. સિંઘ કૉલેજમાં અધ્યાપન. ૧૯૪૭માં સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી ગુજરાતમાં વલ્લભવિદ્યાનગરના વિઠ્ઠલભાઈ પટેલ મહાવિદ્યાલયમાં અધ્યાપક. એ પછી ૧૯૫૧ થી વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં વ્યાખ્યાતા અને એ જ વિભાગના પ્રોફેસર તથા અધ્યક્ષ તરીકે અંતે ૧૯૮૧ માં નિવૃત્ત. નર્મદ સુવર્ણચંદ્રક. ૧૯૭૧માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૮૩માં મળેલા સાહિત્ય અકાદમી, દિલ્હીના પુરસ્કારની એમના દ્વારા અસ્વીકૃતિ. ‘ફાલ્ગુની’, ‘વાણી’, ‘મનીષા’, ‘ક્ષિતિજ’, ‘ઊહાપોહ’, ‘એતદ્’ વગેરે સામયિકોના તંત્રી. કીડનીની બીમારી અને હૃદયરોગથી નડિયાદની હૉસ્પિટલમાં અવસાન.
ગાંધીયુગ અને અનુગાંધીયુગ સુધી અંગ્રેજી સાહિત્યથી પ્રભાવિત રહેલી અર્વાચીન ચેતના યુરોપીય સાહિત્યના સમાગમમાં અવારનવાર આવેલી ખરી, પરંતુ એ પરત્વેની તીવ્ર પ્રતિક્રિયા સમા, સુરેશ જોશીના સર્જનવિવેચનના યુગવર્તી ઉન્મેષોથી જ ગુજરાતી સાહિત્યમાં આધુનિક ચેતનાનું સાચા અર્થમાં અવતરણ થયું.
રવીન્દ્રશૈલીને અનુસરતા હોવા છતાં યુરોપીય સાહિત્યના પુટથી સંવેદનશીલ ગદ્યનો સર્જનાત્મક વિનિયોગ બતાવતા એમના લલિતનિબંધો; ઘટનાની અને નરી તાર્કિકતાની સ્થૂળતાને ઓગાળી નાખતી અને કપોલકલ્પિતને ખપે લગાડતી ભાષાપ્રક્રિયા પરત્વે સભાન એમની ટૂંકીવાર્તાઓ; કથાનકના નહિવત્ સ્તરે ભાષાની અને સંવેદનોની તરેહોમાં રસ દર્શાવતી એમની નવલકથાઓ; યુરોપીય કવિતાઓના અનુવાદ દ્વારા લવચિક ગદ્યમાંથી અછાંદસની દિશા ખોલતી એમની કવિતાઓ અને એમના સર્વ રૂપરચનાલક્ષી સર્જનવ્યાપારોને અનુમોદતું આધુનિક પદ્ધતિઓથી વાકેફ એમનું તત્વસ્પર્શી વિવેચન-આ સર્વ યુગપ્રવર્તક લક્ષણોથી એમણે શુદ્ધ સાહિત્યનો અશક્ય આદર્શ તાગવા પ્રયત્ન કર્યો; અને ઉત્તમ સાહિત્યિક મૂલ્યોની ખેવના અને એની સભાનતા ઊભી કરવામાં પુરુષાર્થ રેડયો.
નિબંધનું લલિત સ્વરૂપ એમણે ‘જનાન્તિકે’ (૧૯૬૫) માં સિદ્ધ કર્યું છે. કિલ્લે સોનગઢના સંસ્કારો, શૈશવપરિવેશ, અરણ્યસ્મૃતિ, પ્રકૃતિનાં વિવિધ અંગોપાંગો, નગરસંસ્કૃતિની કૃતકતા, વિશ્વસાહિત્યની રસજ્ઞતાને કલ્પનશ્રેણીઓમાં સમાવતા તેમ જ કાવ્યકલ્પ ગદ્ય ઉપસાવતા આ નિબંધો ગુજરાતી લલિતનિબંધ ક્ષેત્રે કાકા કાલેલકર પછી શકવર્તી લક્ષણો સ્થાપિત કરે છે. આ ઉપરાંત એમના ‘ઈદમ્ સર્વમ્’ (૧૯૭૧), ‘અહો બત કિમ્ આશ્ચર્યમ્’ (૧૯૭૫) અને ‘ઈતિ મે મતિ’ (૧૯૮૭) નિબંધસંગ્રહોમાં ચિંતનશીલ કલામર્મીની ભાષાભિમુખ ક્રીડાઓની તરેહો જોવાય છે. ગ્રંથસ્થ અને અગ્રંથસ્થ એમના આશરે હજારેક નિબંધોમાથી છપ્પન જેટલા નિબંધોને શિરીષ પંચાલે ‘ભાવયામિ’ (૧૯૮૪)માં સંકલિત કર્યા છે અને અંતે ‘સુરેશ જોષીના નિબંધો વિશે’ નામે પ્રસ્તાવનાલેખ મૂક્યો છે.
એમના ‘ગૃહપ્રવેશ’ (૧૯૫૭), ‘બીજી થોડીક’ (૧૯૫૮), ‘અપિ ચ’ (૧૯૬૫), ‘ન તત્ર સૂર્યો ભાતિ’ (૧૯૬૭), ‘એકદા નૈમિષારણ્યે’ (૧૯૮૦) એ વાર્તાસંગ્રહોમાંની બાસઠ જેટલી વાર્તાઓ વિશ્વસાહિત્યની અભિજ્ઞતાની આબોહવામાં રચાયેલી છે. ઘટનાતિરોધાન, નિર્વૈયક્તિક પાત્રાપાર્શ્વભૂ, સંવેદનશીલ પરિસ્થિતિ-પ્રતિક્રિયાઓ, અનેકસ્તરીય વાસ્તવનિરૂપણ અને મહત્તમ રીતે વિનિયોજિત કપોલકલ્પિત તેમ જ કલ્પન-પ્રતીક શ્રેણીઓ દ્વારા આ વાર્તાઓએ ગુજરાતી આધુનિક ટૂંકીવાર્તાને પ્રસ્થાપિત કરી. એમાં કાવ્યની નજીક જતી રૂપરચનાનો અને સંવેદનશીલ ભાષાકર્મનો પુરસ્કાર છે. ‘ગૃહપ્રવેશ’, ‘કુરુક્ષેત્ર’, ‘લોહનગર’, ‘એક મુલાકાત’, ‘વરપ્રાપ્તિ’, ‘પદ્મા તને’ એમના સુપ્રતિષ્ઠ વાર્તાનમૂનાઓ છે. એમની કુલ એકવીસ વાર્તાઓનું સંકલન શિરીષ પંચાલે ‘સુરેશ જોષીની વાર્તાકલા વિશે’ જેવા મહત્વના પ્રાસ્તાવિક સાથે ‘માનીતી અણમાનીતી’ (૧૯૮૨)માં આપ્યું છે.
પૂર્વે પ્રકાશિત ‘છિન્નપત્ર’, ‘વિદુલા’, ‘કથાચક્ર’ અને ‘મરણોત્તર’ એમ એમની ચારે લઘુનવલો હવે ‘કથાચતુષ્ટય’ (૧૯૮૪)માં એકસાથે ઉપલબ્ધ છે. આ સર્વમાં નવલકથાને સતત પ્રયોગ તરફ અને શુદ્ધિ તરફ વાળવાનું એમનું લક્ષ્ય અછતું નથી રહેતું. પ્રેમ, નારી અને મૃત્યુની સંવેદનાઓ ફરતે, ઓછામાં ઓછા કથાનકને લઈને ચાલતી આ લઘુનવલો કલ્પનનિષ્ઠ અને ભાષાનિષ્ઠ છે તેથી વાસ્તવિકતાના વિવિધ સ્તરોને સ્પર્શનારી અને સમયાનુક્રમને અતિક્રમી જનારી બની છે. લલિતનિબંધનું સ્વરૂપ સમાન્તરે ગૂંથાતું ચાલ્યું હોવાથી પણ અહીં પ્રતીતિ થાય છે. એમાંય ‘છિન્નપત્ર’ને તો લેખકે લખવા ધારેલી નવલકથાના મુસદ્દારૂપે જાહેર કરેલી છે.
‘ઉપજાતિ’ (૧૯૫૬), ‘પ્રત્યંચા’ (૧૯૬૧), ‘ઈતરા’ (૧૯૭૩), ‘તથાપિ’ (૧૯૮૦) કાવ્યસંગ્રહોમાંની એમની કવિતામાં અછાંદસનું ઊઘડેલું વિશિષ્ટ રૂપ ખાસ આસ્વાદ્ય છે. પ્રેમ અને પ્રકૃતિના અવિભિન્ન સમાગમથી ભાષાની સભાનતા સાથે થયેલી આ રચનાઓ છે. એમાં યુરોપીય કવિતાના સંસ્કારોથી સંપન્ન એવા રોમેન્ટિક સૂરને પ્રજ્ઞા અને સમજનો એક અવશ્ય પુટ મળ્યો છે, જે તદ્દન આગવો છે. એનું ઉત્તમ પરિણામ ‘એક ભૂલા પડેલા રોમેન્ટિકનું દુઃસ્વપ્ન’ માં જોઈ શકાય છે. અહીં મૃણાલનું પાત્ર મિથ બનવાની ગુંજાશ ધરાવે છે. એક રીતે જોઈએ તો વાર્તાકાર કવિની આ રચના છે. આ ઉપરાંત ‘કવિનું વસિયતનામું’ કે ‘ડુમ્મસઃસમુદ્રદર્શન’ અને ‘થાક’ એમની મહત્તવની રચનાઓ છે.
એમના પહેલા વિવેચનસંગ્રહ ‘કિંચિત્’ (૧૯૬૦) થી જ એક જુદા પ્રકારના વિવેચનનો ઉપક્રમ શરૂ થયો. એમાં સાહિત્યના તથા સાહિત્યશિક્ષણના પ્રશ્નોને એમણે તાજગીથી છણ્યા છે; અને ‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’ (૧૯૬૨) થી તો ગુજરાતી કાવ્યભાવનમાં તદ્દન નવી દિશા ખૂલી છે. શાસ્ત્રીય બન્યા વગર કૃતિના દલેદલને ખોલતો સંવેદનશીલ ભાવકચેતનાનો પ્રવેશ અહીં પસંદ કરાયેલી કૃતિઓમાં સર્વોપરિ બન્યો છે. કૃતિની સામગ્રી નહિ પણ કૃતિની રૂપરચનાનું સંવેદન મુખ્ય છે એવો સૂર આ વિવેચનગ્રંથથી પ્રચલિત થયો. ‘કાવ્યચર્ચા’ (૧૯૭૧)માં રૂપનિર્માણના આ પ્રાણપ્રદ મુધને આગળ વધાર્યો છે. ‘કથોપથન’ (૧૯૬૯) અને ‘શ્રુણ્વન્તુ’ (૧૯૭૨)માંના મોટા ભાગનાં લખાણો નવલકથાવિષયક છે. રૂપનિર્મિતને લક્ષમાં રાખી નવલકથાની પ્રત્યક્ષ વિવેચના અહીં સાંપડે છે. અહીં દોસ્તોએવ્સ્કીની, કાફકાની, કામ્યૂની નવલકથાઓની પરિચાયાત્મક ચર્ચા છે, તો ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ અને ‘પૂર્વરાગ’ ની ચિકિત્સાત્મક ચર્ચા છે. ગુજરાતી નવલકથા વિશેની લેખકની પ્રતિક્રિયાનું સ્વરૂપ અત્યંત ધ્યાનાર્હ છે. ‘અરણ્યરુદન’ (૧૯૭૬)માં અસ્તિત્વવાદ, માર્કસવાદ, સંરચનાવાદ જેવા સાહિત્યપ્રવાહોથી માંડી સાહિત્યરુચિ અને સાહિત્યમૂલ્યો સુધીના વિષયોનો અભ્યાસ છે. ‘ચિન્તયામિ મનસા’ (૧૯૮૨) અને ‘અષ્ટમોધ્યાય’ (૧૯૮૩) વિવેચનગ્રંથો સાંપ્રત વિવેચનના ભિન્નભિન્ન પ્રવાહોની અભિજ્ઞતા સાથે સાહિત્યસંકુલતાને એક યા બીજી રીતે પુરસ્કારે છે. ‘મધ્યકાલીન જ્ઞાનમાર્ગી કાવ્યધારાની ભૂમિકા’ (૧૯૭૮) મધ્યકાલીન સાહિત્યના સંશોધનનો ગ્રંથ છે.
‘જાનન્તિ યે કિમપિ’ (૧૯૮૪)માં વિવેચનક્ષેત્રે નવી વિચારસરણીઓના પ્રભાવ અંગેના છ લેખોનું સંપાદન છે. ઉપરાંત, એમણે નવી કવિતાના કુંઠિત સાહસને લક્ષમાં રાખી નવી કવિતાઓના ચયન સાથે ‘નવોન્મેષ’ (૧૯૭૧)નું સંપાદન કરેલું છે. ‘નરસિંહની જ્ઞાનગીતા’ (૧૯૭૮), ‘ગુજરાતી સર્જનાત્મક ગદ્ય : એક સંકલન’ (૧૯૮૧), ‘વસ્તાનાં પદો’ (૧૯૮૩) એમનાં અન્ય સંપાદનો છે.
ઉત્તમ સાહિત્યના નમૂનાઓ અને એના આસ્વાદો દ્વારા ગુજરાતી સાહિત્યની દિશા બદલવાની નેમ એમણે કરેલા સમર્થ અનુવાદો પાછળ જોઈ શકાય છે. બોદલેર, પાસ્તરનાક, ઉન્ગારેત્તિ, પાબ્લો નેરુદા, વગેરે વિશ્વસાહિત્યના મહત્વના કવિઓના અનુવાદ ‘પરકીયા’ (૧૯૭૫)માં છે. આ ઉપરાંત પણ સાહિત્યનાં વિવિધ સ્વરૂપોમાં એમના માતબર અનુવાદો મળેલા છે. ‘ધીરે વહે છે દોન’-ખંડ ૧ (૧૯૬૦) રશિયાના પ્રસિદ્ધ નવલકથાકાર મિખાઈલ શોલોખૉવની ‘ક્વાયેટ ફલોઝ ધ ડૉન’ નો અનુવાદ છે, તો ‘ભોંયતળિયાનો આદમી’ (૧૯૬૭) એ ફિયોદોર દોસ્તોએવ્સ્કીની મહત્વની રચના ‘નોટ્સ ફ્રોમ ધ અન્ડર ગ્રાઉન્ડ’નો અનુવાદ છે. ‘શિકારી બન્દૂક અને હજાર સારસો’ (૧૯૭૫) એ જાપાની કથાઓનો અનુવાદ છે. ‘નવી શૈલીની નવલિકા’ (૧૯૬૦) નો અનુવાદ અને એની પ્રસ્તાવના બંને મહત્વનાં છે. વળી રે. બી. વેસ્ટકૃત ‘ધ શોર્ટ સ્ટોરી ઇન અમેરિકા’ નો અનુવાદ એમણે ‘અમેરિકી ટૂંકીવાર્તા’ (૧૯૬૭) નામે આપ્યો છે. ‘અમેરિકાના સાહિત્યનો ઇતિહાસ’ (૧૯૬૫) માર્કસ કલીન્ફકૃત ‘ધ લિટરેચર ઑવ ધ યુનાઈટેડ સ્ટેટ્સનો’ નો અનુવાદ છે. એમણે કરેલા રવીન્દ્રનાથ ટાગોરના નિબંધોના અનુવાદો ‘પંચામૃત’ (૧૯૪૯) અને ‘સંચય’ (૧૯૬૩) માં મળે છે.
Comments
Post a Comment